સુરત:OTP વગર ખાતામાંથી નાણાં બારોબાર ઉપડી જતાંહોય તેવા કિસ્સાઓ વધી રહ્યા છે. જેમાં ફરિયાદી OTP નથી આપતા તેમ છતાં OTP આપ્યા વગર બેન્ક એકાઉન્ટમાંથી પૈસા નીકળી જાય છે. આવી ફરિયાદ છેલ્લા ઘણા સમયથી લોકો દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે એક ટેક્સ્ટ મેસેજ પર આવેલ લિંક ઉપર લોકો ક્લિક કરે છે અને તેના કારણે OTP આપ્યા વગર લોકો સાયબર ક્રાઇમનો શિકાર થઈ જાય છે. છેલ્લા ઘણા સમયથી આવા કેસો સુરતમાં વધ્યા છે.
OTP વગર એકાઉન્ટમાંથી પૈસા નીકળી જાય છે: સાયબર ક્રાઈમ વકીલ અને સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ સ્નેહલ વકીલએ જણાવ્યું હતું કે, એક ટાઈમ હતો જ્યારે ક્રિમીનલ્સ તમારી પાસે OTP માંગતા હતા. પરંતુ હવે જરૂરી નથી કે તેઓ તમારી પાસે OTP માંગે. ક્યાં તો ફોનમાં મેસેજ આવતો હોય છે અથવા તો કોઈ વ્યક્તિ તમારી સંપર્કમાં આવતો હોય છે અને તે વ્યક્તિ કોઈકને કોઈક રીતે તમારી પાસેથી એક એપ ડાઉનલોડ કરાવતું હોય છે. જ્યારે કોઈ આ એપ ડાઉનલોડ કરે છે, ત્યારે અથવા તો મેસેજ પર આવેલા લિંકને ક્લિક કરો છો તો તમારા ફોનમાં જે સેન્સિટીવ ડેટા છે. દાખલા તરીકે ફોટો કેમેરા ગેલેરી સહિત કોન્ટેક્ટ તમામના એક્સેસ થર્ડ પર્સનને મળી જાય છે. જેના કારણે તેઓને તમારી પાસેથી OTPની જરૂર પડતી નથી અને તેઓ OTP તમારા ફોનમાંથી એક્સેસ કરી શકે છે.
વેબ લિંક દ્વારા ફ્રોડ:સ્નેહલ વકીલએ વધુમાં જણાવ્યું હતું કે, ઘણીવાર એવું થાય છે કે તમે કોઈ હોટલમાં જતા હોય અથવા તો ટોય હોય તેનું મેનુ મેળવવા માટે કોઈ QR કોડ સ્કેન કરવું પડતું હોય છે. જે તમે સ્કેન કરો છો તેની એક લિંક આવતી હોય છે અને તેના દ્વારા પણ તમે કોઈ એપ ડાઉનલોડ કરતા હોય તો તો તે પણ તમારે ફોનને એક્સેસ કરી તમામ વસ્તુઓ કમાન્ડમાં લઈ લેતી હોય છે.
થર્ડ પાર્ટી એપ તમારા ફોનમાં આવી જાય છે:સાથે તેઓએ કહ્યું હતું કે, Paytm કેવાયસી ફ્રોડ પણ સામે આવી ચૂક્યું છે. કોઈ વ્યક્તિ ફોન કરીને તમને આ પણ કહી શકે કે તમારા ફોનનો અપડેશન કરવાનું છે. 4Gથી 5G કરવા માટે પણ કોઈ લીંક આપી શકે છે અને ત્યાર પછી થર્ડ પાર્ટી એપ તમારા ફોનમાં આવી જાય છે. આ ઉપરાંત ઘણા મેસેજ એવા પણ આવે છે જેમાં જણાવવામાં આવે છે કે તમારું ઈલેક્ટ્રિસિટી બિલ બાકી છે અને તેઓ તમને મેસેજમાં લિંક આપશે અને જો તમે આ લીંક પર ક્લિક કરશો તો તમે થર્ડ પાર્ટી એપને ડાઉનલોડ કરી લો છો.