- સુરતમાં એકાએક સંક્રમણ વધતા રોજ 600થી વધુ નોંધાઈ રહ્યા છે કેસ
- પાલિકાએ શંકાસ્પદ લોકોના ટેસ્ટિંગ હાથ ધર્યા
- સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 285 દર્દીઓ ગંભીર
સુરત: કોવિડ 19 પેન્ડમિક સ્થિતિ વચ્ચે શહેરમાં એકાએક સંક્રમણ વધી જતાં રોજ 600થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. શહેરની સાથે સાથે જિલ્લામાં પણ સંક્રમણ વધ્યું છે. શહેર અને જિલ્લામાં બે દિવસમાં કુલ 1,321 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે શહેર અને જિલ્લાના મળી વધુ 1,299 દર્દીઓ સારા થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે. મોતનો આંકડો પણ આગળ વધ્યો છે ત્યારે ગત બે દિવસમાં શહેરમાં 7 અને જિલ્લામાં 1 મળી વધુ 8 મોત નોંધાયા છે. મૃત્યુઆંક 1,173 ઉપર પહોંચી ગયું છે.
આ પણ વાંચો: સુરતમાં કોરોનાનો કહેર વધતા ડીંડોલીમાં 8,00 મકાનોના 3,500 લોકોને ક્વોરેન્ટાઇન કરાયા
પાલિકાએ શંકાસ્પદ લોકોના ટેસ્ટિંગ હાથ ધર્યા
અઠવા ઝોનમાં પાલિકાએ 365થી વધુ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી લોકોની અવરજવર નિયંત્રિત કરી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કંટ્રોલની બહાર કેસની સંખ્યા વધી રહી છે. ત્યારે હાલની સ્થિતિમાં કન્ટેન્ટ ઝોનની બહાર 60 ટકા કેસો આવ્યા છે. સેન્ટ્રલ ઝોનમાં કન્ટેન્ટ ઝોનની બહાર 50 ટકાથી વધુ કેસ આવી રહ્યા છે. કન્ટેન્મેન્ટ ઝોનની બહાર નવા કેસની સંખ્યા વધતા પાલિકાએ કોમ્બિંગ કરી શંકાસ્પદ લોકોના ટેસ્ટિંગ હાથ ધર્યા છે. પાલિકાએ મોબાઇલ શોપમાં ટેસ્ટિંગ હાથ ધર્યું હતું. રેપિડ ટેસ્ટ દરમિયાન 13 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા હતા. પાલિકાએ મોબાઇલની દુકાનોમાં 721 કર્મચારીઓનો ટેસ્ટ કર્યો હતો.