- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ પણ મતદાન કરી શકે
- PPE કીટ પહેરીને તેઓ મતદાન કરવા આવી શકે છે
- આ અંગેની માહિતી સુરત જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલે આપી
સુરતઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગ્રસ્ત તેમજ કોરોનાના શંકાસ્પદ મતદાર દર્દીઓ પણ મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજના સમયે કોરોના પોઝિટિવ દર્દીઓ મતદાન કરી શકશે. PPE કીટ પહેરીને તેઓ મતદાન કરવા આવી શકે છે પરંતુ તેઓને બે દિવસ પહેલા આજે આ અંગેની જાણકારી આરોગ્ય અધિકારીને આપવાની રહેશે સાથે સાંજના સમયે મતદાન કેન્દ્રમાં પણ જ્યારે કોરોના પોઝિટિવ દર્દી આવશે, ત્યારે ત્યાં હાજર કર્મચારીઓ પણ PPE કીટ પહેરીને રહેશે. આ અંગેની માહિતી સુરત જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલે આપી હતી.
કોરોના શંકાસ્પદ દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી
તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાની યોજાનાર ચૂંટણી સંદર્ભે શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ.ધવલ પટેલે જાણકારી આપતા જણાવ્યું હતું કે, મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી શકે તે માટે ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરું પાડવાની ચૂંટણી પંચ અને વહીવટી તંત્રની ફરજ છે. મતદાનએ આપણા સૌના આબાદી અધિકાર છે, ત્યારે કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ કોરોના ગ્રસ્ત તેમજ કોરોના શંકાસ્પદ દર્દીઓ માટે મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.