ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં નર્સોની પ્રશંસનીય કામગીરીઃ માસિક ધર્મમાં પણ ઈન્જેકશન-દવાઓ લઈ દર્દીની સેવા કરે છે

વિશ્વભરમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સતત કોરોના સંક્રમિત દર્દીઓ માટે 24 કલાક ખડે પગે ઊભા છે. ત્યારે દર્દીઓ માટે પોતાના પરિવાર છોડી 24 કલાક સેવા આપી રહેલી ફ્રન્ટલાઈન વોરિયર એવા નર્સિંગ સ્ટાફ કેવી સ્થિતિમાં ફરજ નિભાવી રહ્યા છે, તે અંગે ETV ભારતે આવા ફ્રન્ટલાઈન વોરિયર્સ સાથે વાતચીત કરી હતી. એક તરફ નર્સિંગ સ્ટાફની અછતના કારણે અનેક દેશો ભારતમાં નર્સિંગ સ્ટાફની ડિમાન્ડ કરી રહ્યા છે, ત્યારે આવી કફોડી પરિસ્થિતિમાં પોતાના દેશને ન છોડી દેશની સેવા કરવા માટે નર્સો સજ્જ બની છે. એવું જ નહીં 12 કલાક સુધી પીપીઇ કીટ પહેરી પોતાની તકલીફના કારણે દર્દીની સેવામાં કોઇપણ પ્રકારનો અવરોધ ન આવે તે માટે નર્સિંગ સ્ટાફ ઈન્જેક્શન અને દવા પણ લઈ રહ્યો છે.

surat
સુરત

By

Published : Jul 16, 2020, 12:59 PM IST

સુરત: કોરોનાના કારણે અચાનક જ દેશભરમાં નર્સિંગ સ્ટાફની જરૂરિયાત વધી છે. ગુજરાતની વાત કરીએ તો અહીં 20 હજારથી વધુ લોકો નર્સિંગ સ્ટાફ જેવા પ્રોફેશનમાં જોડાયા છે. આજે આ અછત જોઈ સરકાર દ્વારા 3000 સીટો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કલાકો સુધી સતત સેવા આપનાર નર્સિંગ સ્ટાફની સ્થિતિ દયનીય બની ગઈ છે. તેમ છતાં તેઓ પોતાની ફરજો નિષ્ઠાપૂર્ણ નિભાવી રહ્યા છે.

ETV Bharatને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, હાલ કોરોના કાળમાં 30થી 40 ટકા નર્સિંગ સ્ટાફની અછત સર્જાઈ છે, સરકાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં જે પગારધોરણ છે, તેમાં જમીન-આસમાનનો ફરક છે. તેમજ પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા યોગ્ય પગાર નર્સિંગ સ્ટાફને આપવામાં આવતો નથી.

કોરોનાના કારણે અચાનક જ દેશભરમાં નર્સિંગ સ્ટાફની જરૂરિયાત વધી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં સરકારી હોસ્પિટલમાં 612 સ્ટાફ છે. જ્યારે 150ને વધુ ડેબ્યુટ કર્યા છે. સરકાર દ્વારા કોરોના કાળને જોઈ પગારમાં વધારો કરી 20 હજાર સુધી લઇ જવામાં આવ્યો છે. કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફની રહેવાની અને જમવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. કાર્યરત નર્સિંગ સ્ટાફને 15 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં કોરોનાના કારણે મૃત્યુ પામનાર નર્સને 50 લાખ રૂપિયાની સહાય પરિવારને આપવામાં આવે છે. હાલમાં જ બે નર્સના કોરોનાના કારણે મૃત્યુ થતાં સરકાર દ્વારા તેમની આ સહાય પરિવારને આપવામાં આવી છે. તેમજ સરકાર પાસે 9000 રુપિયા નર્સિંગ એલાઉન્સની ડિમાન્ડ પણ કરવામાં આવી છે.

પ્રાઇવેટ હોસ્પિટલમાં કાર્યરત નર્સિંગ સ્ટાફ અંગે ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, નર્સોની અછતના કારણે કોઈને પણ ટ્રેનિંગ આપી નર્સિંગ કાર્ય પ્રાઇવેટ હોસ્પિટલ કરાવે છે. યોગ્ય ટ્રેનિંગ વગર કામ કરનાર આ નર્સિંગ સ્ટાફને ઓછો પગાર આપવામાં આવતો હોય છે. સૌથી અગત્યની વાત છે કે, હાલ કોરોનાની સારવાર કરી દર્દીઓ પાસે લાખો રૂપિયા વસૂલ કરનાર પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા નર્સિંગ સ્ટાફને આવી વિકટ પરિસ્થિતિમાં પણ યોગ્ય પગાર ધોરણ આપવામાં આવી રહ્યું નથી.

ઈકબાલ કડીવાલાએ જણાવ્યું છે કે, દેશ જ નહીં કોરોના કાળમાં વિદેશોમાં પણ નર્સિંગ સ્ટાફની ડિમાન્ડ વધી છે. નર્સિંગ સ્ટાફ માટે ભારતથી લોકો નર્સિંગ સ્ટાફની ભરતી કરતા હોય છે, ત્યારે અચાનક જ આવી પરિસ્થિતિમાં અમેરિકા, કેનેડા, ગલ્ફ કન્ટ્રી અને લંડનથી નર્સો માટેની ડિમાન્ડ આવી રહી છે અને કોન્ટ્રાકટરો દ્વારા નેશનલ નર્સિંગ એસોસિયેશન સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

સુરતના કોવિડ હોસ્પિટલમાં કાર્યરત પટેલ મેઘનાએ જણાવ્યું હતું કે, વોર્ડમાં કામ કરવા માટે તેમનો આ ત્રીજો રાઉન્ડ છે. સતત દર્દીઓની સેવા કરી રહી છે. તેણીએ જણાવ્યું હતું કે, પીપીઈ કીટ પહેર્યા પછી તેઓ યુરીનલ પ્રક્રિયા માટે પણ જઇ શકતા નથી. એટલું જ નહીં જ્યારે માસિક ધર્મ આવતો હોય છે, ત્યારે પણ તેમને ખુબ જ સમસ્યા થતી હોય છે. માસિક ધર્મ દરમિયાન પેટમાં દુખાવો થતા દવાઓ અથવા તો ઇન્જેક્શન લઈ તેઓ સતત ઊભા રહી દર્દીઓની સેવા કરે છે.

કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવનાર અન્ય નર્સ જમના વસાવાએ જણાવ્યું હતું કે , હાલ જ કોરોનાના કારણે વિદેશોમાં નર્સિંગ સ્ટાફની ડિમાન્ડ વધી છે. આ અંગે તેઓને પણ ઓફર મળી હતી. પરંતુ દેશમાં જ તેઓએ સેવા કરવાનું નક્કી કર્યું છે. આવી વિકટ પરિસ્થિતિમાં તેને દેશ છોડી વિદેશ જવાના બદલે દેશસેવા કરવાનો નિર્ણય લીધો છે. તેઓ છેલ્લા એક મહિનાથી પોતાના ઘરે ગયા નથી અને પરિવારથી રૂબરૂ મળ્યા નથી. પરિવાર સાથે ટેલિફોનીક અથવા તો વિડીયોકોલ થકી સંપર્ક કરે છે. પરિવારમાં દાદા-દાદી સિનિયર સિટીઝન હોવાના કારણે તેમને ચેપ લાગવાનો ભય છે. આથી તેઓ હોસ્પિટલમાં રહી દર્દીઓની સેવા કરે છે અને પરિવારજનોથી દૂર રહે છે.

ABOUT THE AUTHOR

...view details