સુરત: શહેર સિવિલના ઈમરજન્સી વિભાગના તબીબ મયુર કલસરિયા કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે 7 વર્ષીય બાળકી ખુશી રાવડાનું પણ કોરોના પોઝિટિવ આવતા પરિવારના સભ્યોને ક્વોરેન્ટાઈન કરાયા છે. સુરતમાં 96 અને જિલ્લામાં 4 કોરોના પોઝિટિવ કેસ અત્યારસુધી સામે આવ્યા છે.
કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 100ને પાર સુરત મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલ સેમ્પલ 410, કોન્ટેક્ટ સેમ્પલ 269, અને કોમ્યુનિટી સેમ્પલ 4472 કુલ મળીને અત્યાર સુધી કુલ 5251 સેમ્પલ લેવાયા છે. જેમાંથી હોસ્પિટલ સેમ્પલમાંથી 23, કોન્ટેકટ સેમ્પલમાંથી 10 અને કમ્યુનિટી સેમ્પલમાંથી 63 કુલ મળીને 96 પોઝિટિવ કેસો સામે આવ્યા છે.
કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 100ને પાર છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કોરોના વાઈરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 51 સામે આવી છે. સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ માન દરવાજા ટેનામેન્ટમાં નોંધાયા છે. આ જ વિસ્તારમાંથી શુક્રવારે વધુ એક શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે. પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ અહીં વહેલી સવારથી સર્વેલન્સની કામગીરી કરી રહી છે.
આ કામગીરી દરમિયાન કોરોના વાઈરસનો શંકાસ્પદ દર્દી મળી આવતા 108ની મદદથી તેને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેના સેમ્પલ લઈ ટેસ્ટિંગ કરવામાં આવશે. સૌથી વધુ 25 જેટલા કોરોના પોઝિટિવ કેસ સુરતના માન દરવાજા ટેનામેન્ટમાં નોંધાયા છે. જેથી સમગ્ર વિસ્તારને માસ ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યો છે. તેમજ અહીંના તમામ લોકોને હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવા માટેની સૂચના પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવી છે.
શહેરના 4 પોલીસ મથક અને એક ચોકી વિસ્તારમાં કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં માન દરવાજા વિસ્તારનો પણ સમાવેશ થાય છે. અહીં બેરીકેટિંગ મારી મનપા દ્વારા બેનરો મારી દેવામાં આવ્યા છે. આ સાથે જ બહાર અને અંદરની વ્યક્તિઓની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.