- કોંગ્રેસ દ્વારા સુરતમાં હેલ્લો કેમ્પેઈન શરુ
- એક ટોલ ફ્રી નબર પણ જાહેર કરવામાં આવ્યો
- મહત્વના મુદાઓને લઈને સંકલ્પ પત્ર તૈયાર કરાયો
સુરત : આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ શકે તેમ છે. ત્યારે કોંગ્રેસે આ ચૂંટણી માટે કવાયત શરુ કરી દીધી છે. ઉમેદવારો પહેલા સુરતમાં કોંગ્રસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. તો સુરત શહેરના 30 વોર્ડ માટે 700 લોકોએ દાવેદારી નોંધાઈ હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે.
30 વોર્ડ માટે 700 ઉમેદવારોએ કોંગ્રેસ સામે ઉમેદવારી નોંધાવી
આગામી ટુંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ શકે તેમ છે. તમામ રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવવા તૈયારીઓ શરુ કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી પણ આ મામલે મેદાનમાં ઉતરી ગઇ છે. સુરતમાં કોંગ્રેસ પાર્ટીના 30 વોર્ડ માટે 700 ઉમેદવારોએ કોંગ્રેસ સામે ઉમેદવારી નોંધાવી છે. બુધવારે 1 થી 8 વોર્ડના ઉમેદવારોને પ્રભારી તુષાર ચૌધરીએ સાંભળ્યા હતા. તો ધારાસભ્ય વીરજી ઠુમ્મર અને સોનલ પટેલે ઈશ્વર ફાર્મમાં 23, 24, 21, 26, 27, 28 અને વોર્ડ નબર 30 ના દાવેદારોને સાંભળ્યા હતા. દાવેદારોનું કહેવું હતું કે, ટીકીટ તે લોકોને જ મળવી જોઈએ જે જમીન સાથે જોડાયેલા છે અને જેઓ વોર્ડની માહિતી અને જનતાની સમસ્યાઓ ઉઠાવી શકે. પહેલા દિવસે 15 વોર્ડ અને 300 દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. નવા સીમાંકન મુજબ વોર્ડ નંબર 30 કનસાડ, સચિન, ઉન અને આભવાથી 38 ઉમેદવારો છે. સૌથી વધારે વોર્ડ નંબર 28 માં 45 અને સૌથી ઓછા વોર્ડ નંબર 26 માં 19 દાવેદાર છે.
સુરતમાં હેલ્લો કેમ્પેઈનની શરૂઆત
કોંગ્રેસ દ્વારા સુરત સહિત ગુજરાતમાં હેલ્લો કેમ્પેઈન શરુ કર્યું છે. આ કેમ્પેઈન અંતર્ગત સુરત શહેરમાં લોકો પોતાના પશ્નો વોટ્સઅપ પર તથા ફોન કરીને જણાવી શકશે. કોંગ્રેસ તે પ્રશ્નોને હલ કરવાનો પ્રયાસ કરશે. તે માટે એક ટોલ ફ્રી નબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા સુરત શહેરના મહત્વના મુદાઓને લઈને સંકલ્પ પત્ર તૈયાર કરાયો છે. સુરત શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી તેની માહિતી આપવામાં આવી હતી. જેમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ રાયકા,માજી કેન્દ્રીય પ્રધાન તુષારભાઈ ચૌધરી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રધાન સોનલબેન પટેલ, ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર, ધારાસભ્ય ગ્યાસુદ્દીન ભાઈ શેખ હાજર રહ્યા હતા.
ઉમેદવારોના નામ જાહેર પહેલા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો
સુરત શહેર કોંગ્રેસે જાહેર કરેલા સંકલ્પ પત્રમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ સુરતમાં સત્તા પર આવશે તો સુરતમાં વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવામાં આવશે. આ ઉપરાંત સુરતની સીટી બસમાં સિનિયર સિટીઝન મહિલાઓ અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત પણ કોંગ્રેસે કરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પાંચ રુપિયામાં ભરપેટ જમવાની વ્યવસ્થા સાથે સુરત શહેરમાં બે સુરત રસોઈ શરૂ કરવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 100 સ્માર્ટ સ્કૂલની રચના કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના હદનું વિસ્તરણ થયું છે, તેમાં પૂરેપૂરી સુવિધા આપ્યા બાદ વેરો વસુલવામાં આવશે. તેમ કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું. લોકોના આરોગ્યની સુખાકારી માટે વોર્ડ દીઠ 4 શેરી ક્લિનિક શરૂ કરવામાં આવશે. આજે આ એપ્લિકેશન લોન્ચ કરી દેવામાં આવી છે. જેના માટે લોકોના મનની વાત સાંભળીને તેમની સમસ્યાનો નિકાલ કરવામાં આવશે.