સુરત: CAAને લઈને કેટલીક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. શાહીન બાગમાં હજુ પણ CAAને લઈને વિરોધ ચાલી રહ્યો છે. આ ઉપરાંત CAAના વિરોધમાં ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે ત્યારે, સુરતમાં ભાજપ દ્વારા CAAના સમર્થનમાં એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતમાં CAAના સમર્થનમાં યોજાઈ રેલી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રહ્યા ઉપસ્થિત
સુરતમાં CAAના સમર્થનમાં આજે વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં CM વિજય રૂપાણી ખુદ હાજર રહ્યા હતા. વિજય રૂપાણીએ પાટીદારોના ગઢમાં વિરોધી પર આકરા પ્રહાર કર્યા હતા અને ત્યારબાદ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
પાટીદારોના ગઢ ગણાતા માનગઢ ચોકમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. CM વિજય રૂપાણી ખુદ હાજર રહ્યા હતા અને મુખ્ય પ્રધાને ઘટના સ્થળેથી વિરોધી પર આકરા પ્રહારો પણ કર્યા હતા અને ત્યારબાદ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં ભાજપના નેતાઓ અને કાર્યકતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હાથમાં તિરંગો લઈને એક વિશાળ રેલી કાઢી હતી તો બીજી તરફ આ રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રેલીના પ્રસ્થાન પહેલા સભા સંબોધી હતી. જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આ રેલી દેશના સ્વાભિમાનની રેલી છે, કોઈ આલિયા માલિયા કે જમાલ્યા ભારતનો વાળ વાંકો પણ ન કરી શકે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો મુસ્લિમ લોકોને ગેર માર્ગે દોરી રહ્યાં છે. ભાજપે જે કહ્યું તે કરી બતાવ્યું છે, કાશ્મીર મુદ્દે પણ તેઓએ આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા.