સુરત: કોરોનાના હાહાકાર વચ્ચે સુરતના ડેપ્યુટી મેયર દ્વારા લૉકડાઉનનો ભંગ કરવામાં આવ્યો છે. અડાજણમાં આયોજિત જૈન મુનિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. લોકોએ જૈન મુનિનાં આશીર્વાદ લીધા હતા. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નીરવ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ ડિસ્ટનસિંગ ન હોવાના કારણે લૉકડાઉનનો ભંગ કરવા બદલ સુરતના ડેપ્યુટી મેયર નીરવ શાહ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. નીરવ શાહ સહિત કુલ 17 લોકો વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
કોરોનાના કહેર વચ્ચે શહેરના ડેપ્યુટી મેયર નીરવ શાહ લૉકડાઉન હોવા છતાં જૈન આચાર્યના દર્શન માટે ગયા અને અન્ય લોકોની હાજરીમાં દર્શન કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્યારબાદ સુરતના ડેપ્યુટી મેયર નીરવ શાહ વિવાદમાં ફસાયા છે.