- બારડોલી ઉપરાંત પાંચ મોટા ગામોમાં પણ બે દિવસ લોકડાઉન
- ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં લેવાયો નિર્ણય
- લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ
બારડોલી: બારડોલીના ઉચ્ચ અધિકારીઓને જ્યારે લાગ્યું કે સ્થિતિ હાથમાંથી સરકી રહી છે ત્યારે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પહેલા લોકડાઉનમાં જે ભારે ઉત્સાહ સાથે લોકોને કોરોના ગાઈડલાઈન અંગે જાગૃત કરતા હતા તે જ અધિકારીઓ બીજા તબક્કામાં કોરોનાના વધી રહેલા ચેપ છતાં નિંદ્રાધીન હતા. હવે જ્યારે સ્થિતિ વણસી રહી છે ત્યારે સપ્તાહના અંતિમ બે દિવસોમાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંક્રમણ ન વધે તે માટે શનિવાર અને રવિવાર એમ બે દિવસ બારડોલી અને આજુબાજુના ગામડાઓમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે.
કોરોનાના કેસ વધવા છતાં વહીવટી તંત્ર નિંદ્રાધીન હતું
ચૂંટણી બાદ સમગ્ર જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. રોજના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હતો. શુક્રવારે સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમણનો આંકડો બેવડી સદી વટાવી 237 સુધી પહોંચી ગયો હતો. કેસો સતત વધી રહ્યા હતા ત્યારે તંત્રનું માત્ર સુરત શહેર પર જ ધ્યાન હતું. બારડોલી સહિત જિલ્લાને નિરાધાર મૂકી દેવામાં આવ્યો હતો. અનેક કેસો છતાં સ્થાનિક વહીવટી તંત્ર ગાઢ નિંદ્રામાં જ હતું.
આ પણ વાંચો:કોરોના સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તાર સ્વૈચ્છિક લોકડાઉન તરફ, કામરેજનું દિગસ ગામ 15 દિવસ માટે બંધ
ઉચ્ચ અધિકારીએ તાત્કાલિક બેઠક બોલાવી લીધો નિર્ણય
આ દરમ્યાન શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધન બાદ બારડોલીનું વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. વહીવટી, પોલીસ તેમજ પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ તાબડતોડ મિટિંગ બોલાવી વધતા સંક્રમણને રોકવા શનિ અને રવિવારનું લોકડાઉન જાહેર કર્યું હતું. વિકેન્ડ એટલે કે, શુક્રવાર રાત્રે 8 વાગ્યાથી સોમવાર 12મી એપ્રિલ 2021 સવારે 6 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ જાહેર બજાર બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ માટે બારડોલી SDM વી.એન. રબારીએ લેખિતમાં જાહેર સૂચના પણ બહાર પાડી હતી.