સુરત:મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે સુરતીલાલાઓને મજા કરાવી દીધી હતી. મુખ્યપ્રધાને સુરત મહાનગરપાલિકા તથા SUDAના 2,416 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું 'ઘરના ઘર'નું શમણું સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. દરેકને માથે છતની નેમને અનુસરીને રાજ્ય સરકારે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 10 લાખથી વધુ આવાસોનું નિર્માણ કર્યું છે. આ પૈકી લાભાર્થી પરિવારોને 7 લાખ આવાસોનું પઝેશન પણ મળી ચૂક્યું છે.
વિકાસકાર્યોનું ખાતમુહૂર્તઃ મુખ્યપ્રધાને 1,344 કરોડ રૂપિયાના ખર્ચે સુરત મહાનગરપાલિકાના આઈકોનિક મુખ્ય વહિવટી ભવનના રૂપમાં સાકાર થનારા દેશની સૌથી ઊંચી ઓફિસ બિલ્ડીંગ સહિતના 1,560 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને 808.63 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ મુખ્યપ્રધાનના હસ્તે 47 કરોડ રૂપિયાના ખર્ચે SUDA નિર્મિત PM આવાસ યોજનાના 503 મકાનોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પણ યોજાયો હતો. તેમાં પ્રતિકરૂપે 7 લાભાર્થીઓને ચાવીઓ આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર હંમેશા મદદ કરવા તૈયારઃઆ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, સુરતે શહેરીકરણ, સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે સફળ કામગીરી કરી બતાવી છે. સુરત વિશ્વ કક્ષાનું શહેર બને એ માટે પાલિકાના નવા આઈકોનિક ભવન સહિત ડૂમસ સી ફેઝ પ્રોજેક્ટ અને ઈકો ટૂરિઝમ, તાપી શુદ્ધિકરણ, તાપી નદી પર બહુહેતુક કન્વેન્શન બેરેજ, ફ્લડ પ્રોટેક્શન વોલ, નવું ગાંધીસ્મૃતિ ભવન ઓડિટોરીયમ, શહીદ સ્મારક, સ્મીમેર હોસ્પિટલ વિસ્તરણનું કાર્ય, સ્કૂલોના રિનોવેશન અને નવી શાળાઓનું બાંધકામ જેવા વિકાસ પ્રકલ્પો પ્રગતિમાં છે અને પ્રોજેક્ટ્સ ઝડપભેર પૂર્ણ થાય એ દિશામાં સુનિયોજિત કાર્ય થઈ રહ્યું છે. જ્યારે જનસુવિધા વધારતા પ્રકલ્પો ઝડપભેર પૂર્ણ કરવા સુરત મહાનગરપાલિકાને સહાયરૂપ થવા રાજ્ય સરકાર સદાય તત્પર હોવાનું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
વડાપ્રધાન ગ્રીન એનર્જીના પ્રેરકઃતેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન ગ્રીન એનર્જીના પ્રેરક છે. તેમના સ્વચ્છ ઉર્જાના વિઝન અનુસાર પુન:પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવા માટે સુરત મહાનગરપાલિકા વર્ષ 2025 સુધીમાં શહેરી બસ સેવાની તમામ બસોને ઈબસમાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે એમ જણાવી આ પહેલની મુખ્યપ્રધાને સરાહના કરી હતી.