ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીમાં શિવાજીની તખ્તી પર નામ લખવા બાબતે બે મરાઠી જૂથ વચ્ચે અથડામણ - બારડોલીમાં બે મરાઠી જૂથ વચ્ચે અથડામણ

બારડોલીમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના લોકાર્પણના બીજા દિવસે તખ્તી પર નામ લખવા બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં હોકી, બેઝબોલ બેટ અને લાકડાના ફટકા લઈને સામસામે આવી જતા 12થી વધુ લોકોના માથા ફૂટયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્તોને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

clash-between-two-marathi-groups-in-bardoli
બારડોલીમાં બે મરાઠી જૂથ વચ્ચે અથડામણ

By

Published : Feb 21, 2020, 2:43 AM IST

બારડોલી: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના લોકાર્પણના બીજા દિવસે તખ્તી પર નામ લખવા બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 12થી વધુ ઘાયલ થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ રાજકીય આગેવાનો પણ બારડોલી પોલીસ સ્ટેશન અને સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. તેમજ સમાધાન માટેની ફોર્મ્યુલા શરૂ કરી હતી. જો કે, બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ જવાની સંભાવના જોતા પોલીસ જાતે જ ફરિયાદી બનવાની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

બારડોલીમાં બે મરાઠી જૂથ વચ્ચે અથડામણ
બારડોલીમાં શિવાજી જયંતિના દિવસે શિવાજી ચોક પર મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મૂકવામાં આવેલ છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિનું કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર, નવસારીના સાંસદ સીઆર પાટિલ, ધારાસભ્ય સંગિતા પાટિલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા બાબેનથી બારડોલી સુધીની વિશાળ રેલી પણ યોજવામાં આવી હતી. જો કે, મૂર્તિના ઉદ્ઘાટન પહેલાથી જ મહારાષ્ટ્રીયન સમાજમાં તખ્તી પર નામ લખવા બાબતે જૂથવાદને લઈ વિવાદ થયો હતો. ત્રણ દિવસથી ચાલતા આ વિવાદ બાદ ગુરુવારે બપોરના સમયે શિવાજીની મુર્તિ પાસે બે જૂથ સામસામે ભેગા થઈ જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બંને જૂથ હોકી, બેઝબોલ, લાકડાના ફટકા સહિતના હથિયાર સાથે સામસામે આવી ગયા હતા. તેમજ એકબીજા પર હુમલો કર્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો. ઘટનાની જાણ થતા જ બારડોલી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. તથા ઉપદ્રવીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 12 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે ત્રણ વ્યક્તિઓની અટક કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ઇજાગ્રસ્તોના પણ નિવેદનો લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઉદ્ઘાટન પહેલાથી જ તખ્તી મામલે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે નવસારી સાંસદ સીઆર પાટિલે બાલકૃષ્ણ ઉર્ફે ભાણા પાટિલ જુથ અને અશોક પાટિલ જુથના લોકોને મળવા પણ બોલાવ્યા હતા. પરંતુ અશોક પાટિલ મળવા માટે ગયા ન હતા. ભાણા પાટિલે આ મામલે સીઆર પાટિલ સાથે મુલાકાત કરી હતી. જેમાં સમાજનો કાર્યક્રમ હોય કોઈ માથાકૂટ ન કરવા સલાહ સૂચના આપવામાં આવી હતી. જો કે, તેમ છતાં સંવેદનશીલ મામલે કોઈ કાળજી રાખવામા ન આવતા 12થી વધુ લોકોના માથા ફૂટવાનો વારો આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details