સુરતઃ રેલવે સ્ટેશન પર એક ખાસ ટ્રેન રવાના થઈ હતી. આ ટ્રેનમાં સવાર તમામ યાત્રીઓ પાસેથી ટિકિટનો એક રૂપિયો પણ લેવામાં આવ્યો ન હતો. આ દેશની પ્રથમ ટ્રેન કહી શકાય કે, જેમાં 1200 શ્રમિક યાત્રીઓ નિ:શુલ્ક પોતાના વતન માટે રવાના થયા હતા. કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધીએ શ્રમિકો પાસેથી લેવામાં આવતા ટ્રેનના ટિકિટના દરને લઇ કેન્દ્ર સરકાર ઉપર સવાલ ઉભા કર્યા હતા. સાથે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી શ્રમિકોના ટિકિટની કિંમત પણ આપશે. ત્યારબાદ સુરત કોંગ્રેસે સોનિયા ગાંધીના આહ્વાન બાદ 1200 જેટલા શ્રમિકોની લિસ્ટ તૈયાર કરી સાડા સાત લાખ રૂપિયા રેલવે મંત્રાલયને આપ્યા હતા અને ખાસ અમેઠી સુલતાનપુર માટેની ટ્રેન બુક કરાવી હતી. જે આજે સુરત રેલ્વે સ્ટેશનથી રવાના થઈ હતી.
સુરતથી શ્રમિકોને નિ:શુલ્ક પ્રથમ ટ્રેનથી તેમના વતન મોકલનારા કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરાતા ધરણા યોજ્યા
સાડા સાત લાખની ટિકિટ ખરીદી સુરતથી શ્રમિકોને નિ:શુલ્ક તેમના વતન મોકલનાર કોંગ્રેસના કાર્યકર્તાઓની સુરત રેલ્વે પ્લેટફોર્મ પરથી રેલ્વે પોલીસે અટકાયત કરી હતી. સોનિયા ગાંધીના આહ્વાન બાદ સુરત કોંગ્રેસ પાર્ટીએ સુરતમાં રહેતા ઉત્તર પ્રદેશના શ્રમિકોને તેમણે પોતાના ખર્ચે વતન મોકલવા માટે શ્રમિક ટ્રેન બુક કરાવી હતી. ગુરુવારે જ્યારે કોંગ્રેસના નેતાઓ આ ટ્રેનને લીલી ઝંડી આપી રહ્યા હતા ત્યારે સુરત રેલવે પોલીસ તેમને ખેંચીને રેલવે સ્ટેશનની બહાર લઈ આવ્યા હતા અને કોંગ્રેસના નેતાઓ તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી.
જે દરમિયાન સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકા, વરિષ્ઠ કોંગ્રેસ નેતા કદીર પીરજાદા સહિત કોંગ્રેસના નેતાઓ ટ્રેનને લીલીઝંડી બતાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ સુરત રેલ્વે પોલીસે તેમને પ્લેટફોર્મ પરથી જવા કહ્યું હતું અને ધક્કો મારીને પ્લેટફોર્મ પરથી કાઢવા લાગ્યા હતા. જેથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
એટલું જ નહી કોંગ્રેસના કાર્યકર્તા અને પ્રમુખ રેલવે સ્ટેશન પર જ ધરણા પર બેસી ગયા હતા અને પોલીસ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે ખૂબ જ બોલાચાલી થઈ હતી. સુરત રેલવે પોલીસનું કહેવું હતું કે, કોંગ્રેસના નેતાઓએ પ્લેટફોર્મ પર આવવા માટે પરવાનગી લીધી ન હતી. એટલે તેમને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, ભાજપના નેતાઓ જ્યારે રેલવે સ્ટેશન પર આવે છે. ત્યારે તેમને ત્યાં થઈ ખસેડવામાં આવતા નથી જેથી જાણી જોઈને આ પગલું રેલ્વે પોલીસે ભર્યું છે. જો કે રેલવે પોલીસે કોંગ્રેસી નેતાઓની અટકાયત કરી હતી.