સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ અંબિકા નદી બાદ હવે ઓલણ નદીમાં પુરની સ્થિતિ નિર્માણ થવા પામી છે. મહુવા તાલુકા સંગ્રામપુરા, મહુવારીયાથી પસાર થતા બે કોઝ વે પાણીમાં ગરકાવ થતા રહીશોની દશા કફોડી બની હતી. વર્ષો જૂની સમસ્યાથી ગ્રામજનો પણ પરેશાન થઈ રહ્યા છે. બાજુમાંથી પસાર થતો અન્ય એક કોઝ વે ઉપરથી ગ્રામજનો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.
મહુવા તાલુકાનો માછીસાદડા કોઝવે સહિત અનેક કોઝવે પાણીમાં ગરક - causeway
સુરત: જિલ્લામાં મેઘ મહેર યથાવત રહેતા ખાસ કરીને મહુવા તાલુકામાં કોઝ વે ની પરિસ્થિતિ નાજુક બની છે. ઓલન નદી ઉપર આવેલ મહુવારીયા, સંગ્રામપુરા ગામે બે કોઝ વે પાણીમાં ગરકાવ થયા હતાં.
મહુવા તાલુકામાં ઓલન નદીના કોઝ વે પાણીમાં ગરકાવ થતા લોકોના રોજિંદા કામ કાજ અને આવન જાવન પર પણ રોક લાગી છે. કારણ કોઝ વે પર પાણી ફરી વળતા આસપાસના ગ્રામજનોએ 10 કિમિથી વધુ ફરીને જવાની નોબત આવે છે. વર્ષો જૂની સમસ્યા છતાં કોઝ વે ઊંચો કરવાની કામગીરી કરવામાં આવી નથી. જેનો ગ્રામજનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ ચૂંટણી બાદ તમામ રજૂઆતો વામણી પુરવાર થાય છે. મહુવાના ધારાસભ્ય પણ સ્થાનિક હોવા છતાં વર્ષો જૂની સમસ્યાનું નિવારણ લાવી શકાયું નથી અને હાલ માછીસાદડા, મહુવારીયા, સંગ્રામપુરા સહિતના ગામો મુખ્ય માર્ગથી સંપર્ક વિહોણા બની ગયા છે.