સુરત:સુરતની સેશન્સ કોર્ટની બહાર થયેલી કરપીણ હત્યાએ ચકચાર મચાવી દીધો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ચપ્પુના ઘા ઝીંકી આરોપીઓ કેબલ બ્રિજ ચઢી નાસી ગયા હતા. હુમલા બાદ લોકોએ 108 એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી ઇજાગ્રસ્ત સૂરજ યાદવને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.
પોલીસની હાજરીમાં હત્યા: આરોપી સુરજ યાદો આજે કોર્ટની તારીખ હોવાથી પોતાની બુલેટથી કોર્ટમાં આવ્યો હતો. બીજી બાજુ હત્યા કરનાર આરોપીઓ પોતાની મોપેડથી કોર્ટની બહાર આવ્યા હતા. લોકોની ભારે ભીડ અને પોલીસ બંદોબસ્ત માટે ત્યાં પોલીસ કર્મચારી હોવા છતાં સહેલાઈથી આરોપીઓએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી સહેલાઈથી નાસી ગયા હતા. આરોપી અને મરનાર સુરજ યાદવને હત્યા કેસમાં હાઇકોર્ટથી જામીન મળ્યા હતા.
પોલીસ તપાસ તેજ: હત્યા મામલે ડીસીપી સાગર બાઘમારએ જણાવ્યું હતું કે, બે લોકોએ હત્યા કરી છે અને નાસી ગયા છે. મરનાર સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં હત્યાના ગુનામાં આરોપી છે. આજે કોર્ટની તારીખ હોવાના કારણે તે સુરત કોર્ટમાં હાજરી આપવા આવ્યો હતો. સીસીટીવી ફૂટેજ અને ઘટનાને જોનાર લોકોની પૂછપરછ ચાલુ છે અને નિવેદન આધારે અમે તપાસ કરી રહ્યા છે.