મોંઘી દારૂની બોટલો ખેપ મારવા બુટલેગરો નવી તરકીબ સુરત :દારૂની ખેપ મારવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે સુરત શહેરમાં વિદેશી બ્રાન્ડની મોંઘી દારૂની બોટલની હેરાફેરી કરવા માટે જમીન દલાલ સહિત ત્રણ લોકોએ લક્ઝરી કારને માધ્યમ બનાવ્યું હતું. પોલીસને શંકા ન જાય તે માટે મધ્યપ્રદેશથી વિદેશી બ્રાન્ડની દારૂ થાર ગાડીમાં લાવી સુરતમાં મર્સિડીઝમાં મૂકી રહ્યા હતા. તે દરમિયાન જ પોલીસે રેડ કરી ત્રણ લોકોની ધરપકડ કરી છે.
ભેજાબાજ બુટલેગર : અત્યાર સુધી રીક્ષા અથવા કારમાં દારૂની હેરાફેરી થતી હોય તેવી વાત સાંભળી હશે. જોકે હવે જે રીતે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. તેની સામે બુટલેગરો બે ડગલાં આગળ વધી રહ્યા છે. સુરતના બુટલેગરે દારુની ખેપ કરવા માટે મોંઘી કારને માધ્યમ બનાવી છે. બુટલેગર પોતાના મિત્રની લક્ઝુરિયસ કાર લઈને મધ્યપ્રદેશ ગયો હતો. જ્યાંથી લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ તેને ગાડીમાં ભર્યો હતો. આ બુટલેગરને એવું હતું કે તેની લક્ઝુરિયસ કાર હોવાને કારણે પોલીસ તેની કારની ચેકિંગ કરશે નહીં. આ કાર તે મધ્યપ્રદેશથી સુરત લઈ આવ્યો હતો.
આરોપી પૈકી મનીષ પોતાના મિત્રની કાર લઈને મધ્યપ્રદેશ ગયો હતો. જ્યાંથી તે દારૂનો જથ્થો લઈ આવી સુરતમાં વેચવાની ફિરાકમાં હતો. અત્યાર સુધી તેને ત્રણથી ચાર વખત દારૂની ખેપ આ રીતે મારી હતી.--વિશાલ મલ્હોત્રા (ACP, સુરત પોલીસ)
પોલીસની રેડ : સુરત પહોંચ્યો ત્યાં સુધી કોઈ પણ પોલીસે તેની આ લક્ઝુરિયસ કારની તપાસ હાથ ધરી નહોતી. જોકે આ દરમિયાન વેસુ પોલીસને બાતમી મળી હતી કે, એક લક્ઝુરિયસ કારમાંથી અન્ય મર્સિડીઝ કારમાં દારૂનું કટિંગ થઈ રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
વિદેશી દારુનો જથ્થો : આ રેડ અંગે એસીપી વિશાલ મલ્હોત્રાએ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પોલીસે ઘટના સ્થળે જઈ રેડ પાડી હતી. ત્યાંથી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે કારમાંથી રૂપિયા 1.69 લાખની કિંમતનો દારૂ કબજે કર્યો હતો. પોલીસે દારૂ તેમજ બંને કાર મળી કુલ 45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછ દરમિયાન તેઓ પોતાના નામ મનીષ મનોહરસિંહ રાજેશ મુરારી શર્મા તેમજ ચકી સુરેશ પટેલ જણાવ્યું હતું. હાલ તો વેસુ પોલીસે ત્રણેય લોકોને ધરપકડ કરી છે. ઉપરાંત આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવા જઈ રહ્યો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.
- Surat Crime: કામરેજ તાલુકામાં મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા બે ઇસમને પોલીસે દબોચી લીધા
- Ahmedabad Crime : AMCના પાર્કિંગ બન્યું દારૂનું ગોડાઉન, મહિને માત્ર 2 હજારમાં જગ્યા રાખતા ભાડે