સુરત:દેશભરમાં 'ઓપરેશન કમલ'ની ચર્ચાઓ હંમેશાથી ચાલતી આવી છે. જ્યારે પણ અન્ય પાર્ટીના ધારાસભ્ય ભાજપમાં જોડાય ત્યારે 'ઓપરેશન કલમ'ની ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. સુરત ખાતે જ્યારે એક બાદ એક કુલ આમ આદમી પાર્ટીના 12 જેટલા કોર્પોરેટર ભાજપમાં જોડાયા ત્યારે ઓપરેશન ડિમોલેશનની ચર્ચાએ વેગ પકડ્યું છે.
'આપ'ના કોર્પોરેટર ભાજપમાં:શુક્રવારે 'આપ'ના કોર્પોરેટર કનુ ગેડીયાએ જણાવ્યું હતું કે, 'છેલ્લા બે મહિનાથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પોતાની જ પાર્ટી વિરુદ્ધ ઓપરેશન ડિમોલેશનની તૈયારી કરી રહ્યા હતા. જેના ભાગરૂપે છ દિવસમાં છ જેટલા કોર્પોરેટર આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. તેમજ આવનાર દિવસોમાં વધુ કોર્પોરેટરો આપમાંથી રાજીનામું આપશે અથવા તો ભાજપમાં જોડાશે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શા માટે ભાજપ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પોતાના પક્ષમાં સામેલ કરી રહી છે તેની રણનીતિ શું છે? અને તેનાથી ભાજપને શું લાભ થશે?
'ઓપરેશન ડિમોલેશનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી લોકો સમક્ષ એક સંદેશ આવવા માંગી રહી છે. જેમાં સ્પષ્ટ છે કે લોકો ભાજપના વિકલ્પ તરીકે કોઈ પણ પાર્ટીને મત આપશે તેમ છતાં કોઈપણ પ્રકારે જે તે પ્રતિનિધિ ફરીથી ભાજપમાં જોડાઈ જાય છે અને આ માટે ભાજપ પ્રત્યક્ષ રીતે સામે નથી આવતી. જે તે પાર્ટીના પ્રતિનિધિ સામે આવીને ભાજપનો વખાણ કરે છે અને તેની પૂર્વ પાર્ટી નિંદા કરતા હોય છે. આ સમગ્ર મામલે ભાજપને કશું બોલવાની જરૂર પડતી નથી અન્ય પાર્ટીથી આવનાર લોકો જ પક્ષની ખામીઓ ગણાવતા હોય છે. ભાજપ આ સાથે આ પણ પ્રસ્થાપિત કરવા માંગે છે કે ભાજપ સિવાય અન્ય પાર્ટીની અંદર કશું સારું ચાલી રહ્યું નથી.' -નરેશ વરિયા, વરિષ્ઠ પત્રકાર અને રાજકીય નિષ્ણાંત