ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સુરત:સુરતમાં ખાદ્ય પદાર્થમાં સેમ્પલ ફેલ થવાનો મામલે ભાજપના જ ધારાસભ્યએ સીએમને પત્ર લખીને કાર્યવાહી કરવાની માગ કરી છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું છે કે દૂધ અને દુધની બનાવટો, ચીઝ, પનીર, બટર, બ્રેડ, આઈસ્ક્રીમ, જાહેરમાં લારીઓ અને દુકાનોમાં વેચાતા ખાદ્ય પદાર્થો, ખાદ્ય તેલ, મરી- મસાલા, કઠોળ તેમજ કઠોળની બનાવટો, આવી તો અનેક લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તેમજ હવે તો શારીરિક તંદુરસ્તી માટેના હેલ્થ સપ્લિમેન્ટ તેમજ હેલ્થ પ્રોડક્ટમાં પણ ભેળસેળ થવા માંડી છે.
ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો આરોગ્યનું જોખમ: પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય માટે હાનીકારક એવા ખાદ્ય ચીજોમાં ભેળસેળ રોકવા માટે જે કાયદાની જોગવાઈ છે. તેમાં સજાની જોગવાઈ ખુબ ઓછી હોય તેવું લાગે છે. ડ્રગ્સ અને ફૂડ વિભાગ દ્વારા જાહેરમાં લારીઓ અને દુકાનોમાં વેચાતા દરોડા પાડી તેના સેમ્પલો લેવામાં આવે છે અને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જેના રીપોર્ટ ખુબ જ લાંબા સમય પછી આવતા હોય છે અને ત્યાં સુધીમાં આ ભેળસેળ યુક્ત ખોરાક હજારો લોકો આરોગી ગયા હોય છે. તેના ઘર સુધી પહોચી ગયો હોય છે. ખોરાકની ભેળસેળ એ જાહેર આરોગ્ય માટેનું મોટું જોખમ છે.
'ઘણા સમયથી ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે એ સેમ્પલ ફેલ થઈ રહ્યા છે અને મહિને મહિને તેનો રિપોર્ટ આવે છે એના માટે જ મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવું, ડુપ્લિકેશન કરવું ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો છે. લોકોને જીવન સાથે ચેડાં છે. ડોક્ટર બાળકને દૂધ પીવા માટે કહે છે ત્યારે દૂધનું ભેળસેળ હોય છે. સીધું માનવ સમાજના જિંદગી સાથે ચેડાં થઇ રહ્યા છે. આ ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો છે. આની સામે ખૂબ જ કડકમાં કડક કાયદો લાવવામાં આવે અને કાયદાનું સ્વરૂપ આપીને માનવવધ જેવું ગુનો દાખલ થાય એવી મેં માગણી કરી છે.'-કુમાર કાનાણી, ધારાસભ્ય
કડક સજાની માગ:ઉલ્લેખનીય છે કે ઘણીવાર લોકોને બેદરકારીને કારણે કોઈ મોટી અકસ્માતની ઘટના બને ત્યારે મનુષ્યવધની કલમ હેઠળ ગુના નોંધવામાં આવે છે. અકસ્માતે બનેલા બનાવોમાં જો મનુષ્યવધનો ગુનો લાગતો હોય, તો લોકોના ખોરાકમાં ભેળસેળ કરી લોકોના જીવન સામે જાણી જોઇને જોખમ ઉભું કરી આવું અધમ કૃત્ય કરનાર સામે કાયદામાં સુધારો કરી મનુષ્યવધની કલમ હેઠળ કડકમાં કડક સજા થાય તેવી જોગવાઈ કરવામાં આવે અને ભેળસેળ કરતા લોકોમાં કાયદાના ડરનો માહોલ ઉભો થાય તો જ આ ભેળસેળનું દુષણ બંધ થાય તેવું લાગી રહ્યું છે.
- Gandhinagar News : 10,000 કરોડ રૂપિયાનું કૌભાંડના નિર્ણય તત્કાલીન CM રૂપાણીની મિટિંગમાં : અમિત ચાવડા
- ADR Report: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કયા ધારાસભ્યએ સૌથી વધુ ખર્ચ કર્યો?, જાણો ADRના આંકડા