કુમાર કાનાણીએ સુરત ટ્રાફિક ડીસીપીને પત્ર લખી ભારે વાહનોના પ્રવેશ મુદ્દે નારાજી વ્યક્ત કરી છે સુરત : વરાછા વિધાનસભા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક લેટર બૉમ્બ મોકલ્યો છે. આ વખતે તેઓએ સુરત ટ્રાફિક પોલીસની કામગીરીને લઈ પ્રશ્નો કર્યા છે. પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો સુરત શહેર હદ વિસ્તારમાં પ્રવેશ અને સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈ તેઓએ પત્રમાં લખ્યું છે કે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
સુરત ટ્રાફિક DCP ને પત્ર લખ્યો : સુરત શહેરના વરાછા, કાપોદ્રા, સરથાણા સહિત અન્ય વિસ્તારોમાં પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો હદ વિસ્તારમાં પ્રવેશ અને સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈ સ્થાનિક ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત ટ્રાફિક DCP ને પત્ર લખ્યો છે. પત્રમાં પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો સુરત શહેર હદ વિસ્તારમાં પ્રવેશે છે તેવી ફરિયાદ તેઓએ કરી છે. પત્રથી સ્પષ્ટ રીતે જોવા મળે છે કેમ તેઓ પોલીસની કામગીરીથી સંતુષ્ટ નથી અને આ વાત તેઓએ આ પત્રમાં પણ ઉલ્લેખિત કરી છે.
આ પણ વાંચો Kumar Kanani letter : વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કમિશનરને પત્ર લખ્યો, ચીમકી સાથે કરી રજૂઆત
જાહેરનામાનો ભંગ થાય છે : સુરત શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસોની એન્ટ્રી સુરત શહેરના હદ વિસ્તારમાં સવારે 7.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી પ્રતિબંધ છે. પરંતુ કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે તેમના મત વિસ્તારમાં આ જાહેરનામાનો કડક અમલ થતો નથી. અન્ય ભારે વાહનો માટે સવારે 8.00 થી બપોરે 1.00 તથા સાંજે 5.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે, પરંતુ આ પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરવામાં આવે છે.
પોલીસની કામગીરીથી ખુશ નથી : કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, ભારે વાહન ચાલકો કોઈપણ ડર વગર બેફામ વાહનો ચાલે છે, ટ્રાફિકની સમસ્યામાં અસહ્ય વધારો કરે છે, પરંતુ આવા વાહનો સામે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આવા વાહનોને પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશવા ન દેવા માટેની સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, તેમનું કારણ લેખિતમાં દિન-7 માં જણાવશો તેવી માંગ કરી હતી જોકે પોતે ટ્રાફિક વિભાગના ડીસીપી મળવા માટે આવ્યા હતા અને આશ્વાસન આપ્યું છે કે આ સમસ્યા દૂર થશે.
આ પણ વાંચો આરોગ્ય પ્રધાન કિશોર કાનાણી સુરત ટ્રાફિક DCPને દંડ વસુલાત બાબતે લખ્યો પત્ર
ત્રણ પત્ર લખી ચુક્યા છે : અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કુમાર કાનાણી પોતાના લેટરના માધ્યમથી ચર્ચાનો વિષય બનતા રહ્યા છે. 2022 વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ પોતાના મત વિસ્તારની સમસ્યાને લઈને લખાયેલો આ તેમનો ત્રીજો લેટર છે. વિદેશમાં ભણવા માંગતા વિદ્યાર્થીઓને લોનમાં વિલંભ, અને મનપા કમિશનરને પત્ર લખી ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓને ગંદકી દુર્ગંધ અને મચ્છરના ત્રાસમાંથી મુક્ત કરવા બાબતે રજૂઆત કરી ચૂક્યા છે.