ભાજપના કોર્પોરેટર કહે છે કે, તેમના વિસ્તારમાં દારૂ વેચાય છે. દારૂના અડ્ડાઓ વધી ગયા છે અને ક્રાઇમ રેટ પણ વધ્યું છે આવું વિવાદિત નિવેદન આપી અમિત રાજપૂતે સુરત ભાજપને શરમમાં મૂકી દીધું છે.
દારૂના વેચાણ પર ભાજપ કોર્પોરેટર અમિત રાજપૂતનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- દારૂના અડાઓ ખૂબ ચાલે છે
સુરત: મહાનગરપાલિકા વોર્ડ નંબર 25ના ભાજપના કોર્પોરેટર રાજપૂતનું વિવાદિત નિવેદન હાલ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયું છે. અમિત રાજપૂતે જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં દારૂ વેંચાય છે. અમિત રાજપૂતના આ નિવેદનથી લઈ સુરત ભાજપા બેકફૂટ પર આવી ગઈ છે. સાથે અમિત રાજપૂતના નિવેદનમાં સ્થાનિક પોલીસ કામગીરી ઉપર પણ પ્રશ્નાર્થ ઉભા કરવામાં આવ્યા છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ગોડાદરા પોલીસ મથકને તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેને લઇ લિંબાયત પોલીસ મથકના PSI રાઠોડ અને અમિત રાજપુત વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું અને ત્યારબાદ PSIએ અમિત રાજપૂતને અશબ્દ પણ કહ્યા હતા. ત્યારબાદ પોતાના પક્ષ માટે નિવેદન આપતા અમિત રાજપૂત બેફામ બની ગયા હતા અને નિવેદનમાં બફાટ કરતાં કહ્યું હતું કે, તેમના વિસ્તારમાં દારૂના અડ્ડાઓ વધી ગયા છે પોલીસ ગુનેગારોની જગ્યાએ રાહગીરો સામે ફરિયાદ નોંધી રહ્યા છે.
ભાજપના કોર્પોરેટર પોતે માની રહ્યા છે કે તેમના વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે તેમને આ નિવેદનના કારણે કોંગ્રેસને તક મળી ગઈ છે કે ભાજપ ઉપર પ્રહાર કરવામાં આવે પોતાના કોર્પોરેટરના લીધે શરમજનક સ્થિતિમાં મૂકાયેલી ભાજપા હવે કોંગ્રેસ સામે કેવી રીતે પ્રતિકાર આપે તે જોવાનું રહ્યું.