લીલાછમ વૃક્ષો એ ધરતીનો શણગાર છે. આપણા જીવનમાં ડગલેને પગલે વૃક્ષોનું આગવું મહત્વ રહેલું છે. ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવા માટે કોઈ વિકલ્પ હોય તો તે વૃક્ષો...BCAનો અભ્યાસ કરનારા વિરલ પટેલ કહે છે કે, તેઓ પ્રથમથી જ ખેતીમાં કઈ નવું કરવા પ્રેરાયેલા હતા. ઓલપાડ ગામનાં સાંધિયેર ગામમાં રહેતા વિરલ પટેલે ઓલપાડ સામાજિક વનીકરણના માર્ગદર્શન હેઠળ પોતાની 9 વીઘા જમીનમાં 8000 નિલગિરીના રોપાનું વાવેતર કર્યું હતું.
8 હજાર નિલગિરીના વૃક્ષની ખેતી કરનાર BCAનો વિદ્યાર્થી વિરલ પટેલ સામાજિક વનીકરણની વૃક્ષ ખેતી યોજના હેઠળ પુરતી સબસીડી અને માર્ગદર્શન આપી 8000 નિલગિરીના રોપા અપાયા હતા. જેમાં પ્રથમ વર્ષે વિરલભાઈને ૮ રૂપિયા પ્રતિ છોડ હેઠળ સબસીડી મળી તેમજ બીજા વર્ષે 4 રૂપિયા પ્રતિ છોડ તેમજ ત્રીજા વર્ષે પણ 4 રૂપિયા પ્રતિ છોડ સબસીડી મળશે.
આમ વિરલભાઈને રાજ્ય સરકાર દ્વારા વૃક્ષ ખેતી યોજના અન્વયે પ્રથમ વર્ષે રોપાદીઠ રૂપિયા 8ના ભાવે રૂપિયા 64,000 હજારની સહાય તથા બીજા વર્ષે રૂપિયા 4ના ભાવે 32,000ની સહાય મળી છે. વિરલભાઈની નિલગિરીના વાવેતરના બે વર્ષ થયા છે. હજુ એક વર્ષ બાદ નિલગિરીનું વેચાણ કરીને તેઓ સારી એવી આવક મેળવી શકશે.
નિલગિરીમાંથી વીઘાદીઠ અંદાજે 30 ટનથી વધુનું ઉત્પાદન થશે. જેથી 9 વિઘા દીઠ 270થી વધુ ટન નિલગિરીના લાકડાનું ઉત્પાદન થશે. વર્તમાન ભાવ જોઈએ તો, એક ટનનો ભાવ ગુણવત્તાના આધારે રૂપિયા 2,500થી 3,300નો રહે છે. જેથી એકથી દોઢ વર્ષ બાદ નિલગિરીના લાકડામાંથી 8 લાખથી વધુના ઉત્પાદનનો અંદાજ વિરલભાઈ પટેલે વ્યકત કર્યો હતો.
નિલગિરીનો મુખ્યત્વે ઉપયોગ કાગળનો માવો બનાવામાં એટલે કાગળ બનાવવા માટે થાય છે. તેમજ નિલગિરીનું લાકડું મજબૂત હોવાના કારણે ટેકા માટે પણ નિલગિરીના લાકડાનો ઉપયોગ થઇ શકે છે. નોંધનીય છે કે, નાના અને સીમાંત ખેડૂતો પોતાના ખેતરના શેઢા ઉપર નિલગિરીના વૃક્ષો વાવીને વધારાની આવક મેળવી શકે છે. આ પ્રકારના વૃક્ષો વાવવાથી ખેતીના પાકને નુકસાન કરતા સીધા પવનથી બચાવી શકાય છે. નિલગિરીના વૃક્ષો વાવેલા હોય તો તે પવન અવરોધકનું કામ કરે છે, અને ખેતરના શેઢા પાળાનું ધોવાણ થતું અટકાવે છે.