સુરત: દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી CAA, NRC અને NRPનો વિરોધ થઇ રહ્યો છે, ત્યારે સુરતમાં ખાસ 1લી એપ્રિલ શરૂ થનાર NRPના વિરોધમાં ઠેર-ઠેર પત્રિકા વેચવામાં આવી રહી છે અને મુસ્લિમ વિસ્તારોમાં આ પત્રિકાઓ દરેકના મકાનની બહાર ચોંટાડવામાં આવી રહી છે. આ પત્રિકામાં CAA, NRC અને NPRના વિરોધમાં લખવામાં આવ્યું છે. આ પત્રિકાઓ સુરત શહેરના કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાઈકલ વાલા દ્વારા વેચવામાં આવી રહી છે.
'કાગજ નહિ દિખાયેંગે': સુરતમાં વિરોધ, NPR નોધણી પહેલા 20 હજાર પત્રિકાઓ વહેચાઇ અંગ્રેજોના કાયદા સામે જે રીતે ગાંધીજીએ સવિનય આંદોલન કર્યું હતું, તે જ રીતે કેન્દ્ર સરકારના આ કાયદાનું સહકાર ન આપી વિરોધ કરવામાં આવશે. ખાસ આ પત્રિકામાં સંવિધાન બચાયેંગે, કાગજ નહીં દિખાયેંગેનો ઉલ્લેખ કરાયો છે. NPR નોધણીના થોડા દિવસ પહેલા આ પત્રિકા 20 હજાર થી વધુ લોકો ને આપી દેવાઈ છે અને મુસ્લિમ વિસ્તારના મકાનોમાં આ પત્રિકા જોવા મળી રહી છે.
આ પત્રિકા અંગે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, NPRની નોંધણી વખતે મૌખિક કે કોઇ દસ્તાવેજી પુરાવો આપવામાં આવશે નહીં. CAA, NCR અને NPR એક કાળો કાયદો છે. જો સરકાર વર્ષ 2010ની જેમ NPR નોંધણી કરતી હોય તો કોઈને વાંધો નથી, પરંતુ બે કલમ ઉમેરીને જે માતા પિતાની જન્મ તારીખ અને રહેઠાણ અંગેની જાણકારી માગવામાં આવી છે, તે ખોટી છે. NPRની નોંધણી માટે જે લોકો આવશે તેઓને હાથ જોડીને વિનંતી કરવામાં આવશે કે, તેઓ ચાલ્યા જાય અને સરકાર જો બળજબરીથી NPRની નોંધણી કરાવશે તો અમે ગાંધીજીના માર્ગે જેલ ભરો આંદોલન કરીશું.
બીજી બાજુ શહેરના કેટલાક મુસ્લિમ વિસ્તારોમાં પત્રિકા લાગ્યા બાદ મુસ્લિમ સમાજના લોકો પણ NPRના વિરુદ્ધમાં હાથમાં આ પત્રિકા લઈ વિરોધ નોંધાવી રહ્યાં છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, NPRની નોંધણી વખતે જે કોઈ પણ આવશે. તેઓ નોંધણી કરાવશે નહીં. ભલે કાગળ માગવામાં ન આવે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તેઓની પાસે કોઈ કાગળ નથી. જેથી કાગળ બતાવવાનું કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી તેઓ ભારતના લોકો છે અને ભારતમાં જ રહેશે.
ઉલ્લેખનીય છે કે, NPRના નોંધણી માટે ગણતરીના દિવસો રહી ગયા છે, ત્યારે આવા વિરોધ વચ્ચે NPRની નોંધણી કરનાર કર્મચારીઓ કેવી રીતે આ વિસ્તારમાં જશે અને વિરોધનો સામનો કરશે તે તંત્ર અને સરકાર સામે એક મોટો પ્રશ્ન છે.