સુરત : ભારત સરકારની ફિટ ઇન્ડિયા ઝુંબેશ અંતર્ગત બારડોલી SDM દ્વારા સાયકલ અને રનિંગ રૂટની જાહેરાત કરવામાં આવી છે. બારડોલી તાલુકાના આરોગ્ય જાગૃત નાગરિકો દ્વારા એક વિશેષ રૂટ જાહેર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જે પૂર્ણ થતા સાયકલિસ્ટસ અને રનર્સમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. તંત્ર દ્વારા કુલ 8 KMનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે. આ રૂટ પર હવે લોકોને સાયકલ ચલાવવા, દોડવા અને ચાલવા માટે મોકળાશ મળશે.
ભારત સરકારની ફિટ ઇન્ડિયા ઝુંબેશ અંતર્ગત તાલુકાના આરોગ્ય જાગૃત નાગરિકો દ્વારા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન તેમજ વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પરમાર અને સ્થાનિક વહીવટી તંત્ર સમક્ષ સાયકલિસ્ટ અને દોડવીરો તેમજ સવારે ચાલતા જતા લોકો માટે એક વિશેષ રૂટ જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ રસ્તાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આ અભ્યાસ બાદ બારડોલીના શિવાજી ચોકથી ધામદોડ સાંઈબાબા મંદિર થઈ રાજપુરા લુમ્ભા, સાંકરી સ્વામિનારાયણ મંદિર થઈને રાયમ ચોકડી સુધીનો રૂટ મંગળવારના રોજ SDM દ્વારા જાહેરનામું બહાર પાડી સાયકલ/ રનિંગ રૂટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ રૂટ માટે SDM દ્વારા બારડોલી નગરપાલિકા, માર્ગ મકાન વિભાગ પંચાયત અને માર્ગ મકાન વિભાગ સ્ટેટને આ માર્ગ પર જરૂરી સુવિધા ઉભી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.