આ કોઈ એરપોર્ટ નથી, પરંતુ એક આધુનિક સ્મશાન ભૂમિ છે. NIR પંથક ગણાતા સુરત જિલ્લાના બારડોલીની સામાન્ય રીતે સ્મશાન શબ્દ સાંભળી ડરની અનુભૂતિ થાય છે, પરંતુ દુઃખ ભુલાવવા અહીં કર્તાહર્તાઓ દ્વારા અનોખું પગલું ભર્યું છે. સ્મશાન આગળ ઉડાન ભરતી મુદ્રામાં 40 ફૂટના 2 વિમાનો મુકવામાં આવ્યા છે. એરપોર્ટ જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. બંને વિમાનોને સ્વર્ગ એરલાઇન્સ અને મોક્ષ એરલાઇન્સનું નામ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે પ્રશ્ન થાય કે આવું કેમ? તો કારણો પણ જાણવા જેવા છે. સામાન્ય રીતે સ્મશાનમાં માત્ર ચિતા સળગતી જોવા મળે છે. અને ડાઘુ ઓ તેની વિધિ કરતા હોય છે, પરંતુ બારડોલીના તલાવડી વિસ્તારમાં આવેલ સ્મશાનને આધુનિક ઓપ આપવામાં આવ્યો છે.
ગુજરાતના આ એરપોર્ટ પર થશે, અંતિમ સંસ્કાર કેન્ટીન, પાણીની સુવિધા થી લઈ આધુનિક ભઠ્ઠીઓ તેમજ CCTV થી સજ્જ કરવામાં આવ્યું છે. તેમજ NIR પ્રદેશ હોવાથી વિદેશમાં વસતા સ્વજનોની અહીં અંતિમ વિધિ થી બાકાત ન રહે તે માટે ઇન્ટરનેટ સુવિધા મદદ થી અંતિમ ક્રિયા વિદેશ માં પણ જોઈ શકાય તેવું આધુનિક પગલું ભરવામાં આવ્યું છે.
સ્મશાન પણ એવું કે, જ્યાં સૌ કોઈ સ્મશાન નહીં પરંતુ એક એરપોર્ટ જેવી અનુભૂતિ કરી રહ્યા છે. સ્મશાનમાં અગ્નિદાહ આપવાની પણ એક અલાયદી રીત ઉભી કરી છે. મૃતદેહને જ્યારે અહીં લાવવામાં આવે છે. સૌ પ્રથમ એક માણસ સૌને પ્રાર્થના બોલાવે છે. બાદમાં એરપોર્ટ ઉપર વિમાન જ્યારે ઉપર ટેકઓફ કરે ત્યારે જેમ સાઈરન વાગે તે રીતે સાઈરાન વગાડવામાં આવે છે. સાઈરન વાગ્યા બાદ મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે છે.
અંદાજે 16 CCTV થી કેમ્પસમાં બાજ નજર રાખવામાં આવે છે. તેમજ વ્યસનમુક્તિ થી લઈ લોક જાગૃતિ રૂપ ચલચિત્રો પણ મૂકી અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભક્તિ ભાવ ભર્યા વાતાવરણ જોઈ લોકો આનંદિત થાય છે. કુલ 5 ભઠ્ઠીઓ મુકવામાં આવી છે. એરપોર્ટની જેમ ગેટ નંબર 1 થી 5 નામ આપવામાં આવ્યા છે. આધુનિક સ્મશાન બનાવતા પુરુષોની સાથે મહિલાઓ તેમજ બાળકો પણ સ્મશાનની મુલાકાત લેવાનું ચુકતા નથી.
સામાન્ય રીતે NIR પંથક હોય ત્યાં સ્વાભાવિક દાતાઓની પણ ખોટ હોતી નથી. દાતાઓના સહયોગથી 3 કરોડ થી વધુના ખર્ચે આધુનિક સ્મશાનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. હજુ પણ 1 કરોડ થી વધુ રકમ બચેલ હોય તેને બચત કરી તેના વ્યાજ માંથીજ આટલા મોટા વિશાળ કેમ્પસની મરામત કરાઈ રહી છે. મોક્ષ એરપોર્ટ ધામમાં અંતિમ ક્રિયા માટે વિનામૂલ્યે ક્રિયા થાય છે. કોઈ ચાર્જ પણ વસુલવામાં આવતો નથી. આ સ્મશાન હાલ લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.