સુરત: સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ ઈસ્કોન મંદિરમાં સવારના ચાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણની મંગળા આરતી કરવામાં આવી હતી, જેનો લાભ ભક્તોએ ઓનલાઈન આરતીથી લીધો હતો. કોરોના કાળના કારાગૃહમાં જાણે હિન્દુ સંસ્કૃતિમાં ભારે માહાત્મ્ય ધરાવતા તહેવારોનો ઉમળકો કેદ થઈ ગયો છે.
જન્માષ્ટમીને કોરોનાનું ગ્રહણઃ સુરત ઇસ્કોન મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ - કોરોના
સુરતના જહાંગીરપુરા ખાતે આવેલા ઈસ્કોન મંદિરમાં દર વર્ષે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે થતી ભવ્ય ઉજવણી આ વખતે નીરસભર્યા માહોલ વચ્ચેથી પસાર થઈ રહી છે. હજારો-લાખો ભક્તોના ઘસારાથી ઉભરાતા ઇસ્કોન મંદિરમાં આજે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે કોરોનાની મહામારીના કારણે સુમસામભર્યો માહોલ જોવા મળ્યો હતો. કોરોનાની મહામારી વચ્ચે મંદિર ટ્રસ્ટી દ્વારા લેવામા આવેલ નિર્ણયને લઈ આજે જન્માષ્ટમીના પર્વની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.
હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાંથી પસાર થતા તહેવારો જાણે નિરાસભર્યા માહોલમાં જઇ રહ્યાં છે. જ્યાં દર વર્ષે ધામધૂમપૂર્વક ઉજવાતો જન્માષ્ટમીનો પર્વ પણ આજ રોજ સાદગી અને નિરાસભર્યા માહોલ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો. જહાંગીરપુરા મુકામે આવેલ ઇસ્કોન મંદિરમાં આ વખતે જન્માષ્ટમી ઉજવણી સાદગીપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. જેમાં ભક્તોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
ભગવાન શ્રી કૃષ્ણની આરતી સહિતના કાર્યક્રમોનો ભક્તો લાભ લઇ શકે તે માટે ઓનલાઈન વ્યવસ્થા મંદિર ટ્રસ્ટીગણ દ્વારા ઉભી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણની મંગળા આરતી કરવામાં આવી હતી. જેનો ભક્તોએ ઓનલાઈન દર્શન થકી લાભ લીધો હતો. જ્યારે સાંજના સંધ્યા આરતી અને રાત્રે બાર વાગ્યાની આસપાસ ભગવાનનો અભિષેક પણ કરવામાં આવશે. મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધને લઈ કેટલાક ભક્તોએ પરિસરના મુખ્ય દ્વાર બહારથી દર્શન કરી સંતોષ માણ્યો હતો. જ્યારે મંદિર બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.