સુરત : બહુચર્ચિત અને વિવાદિત બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓએ સુરત ખાતે તારીખ 26 અને 27ના રોજ લિંબાયત વિસ્તાર ખાતે આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબારમાં હાજરી આપવા જઈ રહ્યા છે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દિવ્ય દરબાર સાથે તેમનું રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શું છે સમગ્ર કાર્યક્રમ : વાઘેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતની મુલાકાતે આવનાર છે. લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબાર તેમજ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો આયોજક બાગેશ્વર સરકાર આયોજન સમિતિને બતાવવામાં આવ્યું છે. તેમ છતાં સુરત ખાતે આ કાર્યક્રમની તૈયારીઓ શહેરના ભાજપના નેતાઓ કરી રહ્યા છે. બે દિવસમાં 2 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત રહેશે. મોટી સંખ્યામાં લોકો હાજર રહે આ માટે ભાજપના નેતાઓ દરેક સમાજ સાથે મીટીંગ પણ કરી રહ્યા છે. આ કાર્યક્રમ માટે સુરત પોલીસ પાસેથી પરવાનગી મળી ગઈ છે.
નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડની અંદર અલગ અલગ પાંચ સ્ટેજ બનાવવામાં આવશે. જેની અંદર 30થી વધુ LED લગાવવામાં આવશે. પીઠાધિપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો સનાતન ધર્મના પ્રચાર અર્થે તારીખ 26 અને 27 મે ના રોજ 2 દિવસના દરબાર, દર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે 2 લાખથી પણ વધુ લોકો આ કાર્યક્રમમાં આવશે ત્યારે તેમની વ્યવસ્થાના ઉપક્રમે તેની પુરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે. સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે.- અમિત રાજપૂત (આયોજક સમિતિના સભ્ય)