સુરત : બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 26 અને 27 મેના રોજ સુરત આવી રહ્યા છે. સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે સાંજે 5 થી 10 સુધી દિવ્ય દરબાર યોજાશે. જેને લઈને નીલગીરી ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. તૈયારીના ભાગરૂપે આયોજન અંગેની સમિતિ પણ બનાવવામાં આવી છે.જેમાં આયોજન સમિતિમાં 20 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ધારાસભ્ય સહિત સુરત કોર્પોરેશન પદાધિકારીઓ પણ હોવાનું જાણવા મળે છે.
આયોજન સમિતિમાં કોણ : આ સમિતિમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, એસએમસી ચેરમેન દિનેશ રાજપુરોહિત, શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત સહિતના લોકોનો સમાવેશ થાય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરત આગમન લઈને રોડ શોનું પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત દિવ્ય દરબાર સ્થળે 5 સ્ટેજ બનાવાશે. દિવ્ય દરબારમાં 2 લાખથી વધુ લોકો હાજર રહેવાનો અંદાજ છે. જેને લઈને પોલીસ પરવાનગી સહિતની પ્રોસેસ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ સુરત આવી રહ્યા છે. તેઓનો હિંદુ રાષ્ટ્રનો સંદેશો સાંભળવા માટે લોકો તૈયાર છે. તેઓ લિંબાયતના નીલગીરીના ઐતિહાસિક મેદાનમાં દિવ્ય દરબાર યોજશે. નીલગીરી મેદાન ઐતિહાસિક મેદાન છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સીએમ હતા ત્યારે પણ અહી આવ્યા હતાં તેઓ પીએમ બન્યાં ત્યારે પણ આ મેદાનમાં આવી ચૂક્યાં છે. આ ઉપરાંત અનેક રાજકીય નેતાઓ અને સંતો પણ અહી આવી ચુક્યા છે. ત્યારે આ ઐતિહાસિક મેદાનમાં જયારે ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ આવી રહ્યા હોય તે લીંબાયત અને સુરત શહેરના લોકો માટે સૌભગ્ય અને ગર્વ કહેવાય છે...સંગીતાબેન પાટીલ (ધારાસભ્ય, લિંબાયત)
એસી કુલર પીવાના પાણીની વ્યવસ્થા :આયોજન સમિતિ સાથે ગરમીની સીઝનમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં છે તે બાબત પણ ધ્યાને લેવાઇ રહી હોવાનું જણાવાયું હતું. હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને ગરમી પડી રહી છે જેને લઈને સાંજે 5 વાગ્યા બાદ દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. આ ઉપરાંત લોકો માટે પીવાના પાણી, શૌચાલય, કુલર સહિતની વ્યવસ્થા કરાઈ રહી છે.
દિવ્ય દરબાર સ્થળે શું હશે? : આયોજન સમિતિના સભ્ય લીંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ભવ્ય અને દિવ્ય થવાનો છે. અહી ખુબ સરસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. દિવ્ય દરબાર સ્થળે 40 એલઈડી, ટીવી સ્ક્રીન, 40 બાય 100નું સ્ટેજ બનાવાયું છે. 1.75 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહી 22 જેટલી એન્ટ્રી ગેટ પણ બનાવાયા છે. તેમ જ ફાયર અને શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. દરેક લોકોનો સહયોગ લઈને આ આયોજન કરાઈ રહ્યું છે. આયોજન સમિતિની બેઠક કરવામાં આવશે જે બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્ય પ્રધાન સહિતના મહાનુભવોને આમંત્રણ આપવાનું નક્કી કરાશે.
- Bageshwar Dham : અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને બ્રહ્મસમાજનો ટેકો, દરબારને લઈને તૈયારીઓ તડામાર
- Bageshwar Dham : ફરી સુરતમાં શાસ્ત્રીને ઓપન ચેલેન્જ, પ્રશ્નોના સાચા જવાબ આપશે તો 2 કરોડ
- Bageshwar Dham: વિરોધના વંટોળ વચ્ચે ગુજરાતમાં યોજાશે બાગેશ્વર ધામનો 'દિવ્ય દરબાર'