સુરતમાં ગેસ કટરથી ATM કાપી 14.51 લાખની ચોરી - CRIME
સુરતઃ શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં તસ્કરોએ ATMને નિશાન બનાવ્યુ હતું. ગેસ કટર વડે ATM મશીનને કાપી 14.51 લાખનો હાથફેરો કર્યો હતો. આ ઘટનાના કારણે સુરત પોલીસની નાઈટ પેટ્રોલીંગની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે.
ઈચ્છાપુર પોલીસ મથક વિસ્તારમાં આવેલ કોર્પોરેશન બેન્કના ATMને રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. તસ્કરો દ્વારા ગેસ કટર વડે ATM મશીનને કાપી 14 લાખ 51 હજાર રોકડ રકમની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ દોડતી થયેલી ઇચ્છાપોર પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ તેમજ DCP ACP કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બેંકના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા જેમાં ચારથી પાંચ જેટલા અજાણ્યા ઈસમો દ્વારા ઘટનાને અંજામ આપતા પહેલા એક દિવસ અગાઉ રેકી કરવામાં આવી હતી. જે રેકી કર્યા બાદ મોડી રાત્રી દરમિયાન ગેસ કટર વડે ATM મશીન કાપી લાખોની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો.પોલીસ તપાસમાં ત્રણથી ચાર જેટલા ઈસમો સીસીટીવી ફૂટેજની અંદર કેદ થયા છે. ત્યારે, પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.