- માતાએ પોતાના નવજાત બાળકને હોસ્પિટલના ગેટે મૂક્યું
- બાળક ન મળતા હોસ્પિટલના તંત્રએ CCTV કેમેરાની કરી તપાસ
- મહિલાને માનસિક બીમારી હોવાના કારણે આ બનાવ બન્યો
સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાં એક માતા પોતાના નવજાત બાળકને હોસ્પિટલના ગેટ પાસે મૂકી આવી હતી. બાળક ન મળતા હોસ્પિટલના તંત્રએ CCTV કેમેરાની તપાસ કરી હતી. જેમાં બાળકને મહિલા જ ગેટ પાસે મૂકી આવી હતી. બાળકને સારવાર અર્થે ફરી ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું. એક માસની લાંબી સારવાર બાદ સોમવારના રોજ આ બાળકનું મોત થયું હતું. મહિલાની માનસિક હાલત એકાદ અઠવાડિયાથી ઠીક ન હોવાથી તે પોતાના બાળકને લઇ હોસ્પિટલ બહાર મૂકી આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
CCTV ફૂટેજ જોતા બાળકને તેની જ માતા હોસ્પિટલ ગેટ પર મૂકી આવી હોવાનું દેખાયું
અમરોલીના છાપરા ભાઠા વિસ્તારમાં રહેતી 28વર્ષીય મહિલાને ગત તા 12-11-2020 ના રાતે પ્રસુતિનો દુઃખાવો ઉપડતા પરિવાર સ્મીમેરમાં લાવ્યા બાદ અહી મહિલાએ બાળકને જન્મ આપતા પરિવારમાં ખુશી છવાઇ ગઇ હતી. દરમિયાન મહિલાને માનસીક બિમારીનો સ્ટ્રોક આવતા માસૂમ બાળકને દૂધ પીવડાવતા પીવડાવતા વોર્ડમાંથી બહાર નીકળીને હોસ્પિટલના ગેટ નંબર-5 પાસે મુકી વોર્ડમાં જતી રહી હતી. થોડા સમય બાદ મહિલાને બાળક યાદ આવતા તેણે ડૉક્ટરને પુછતા તે પણ ચોંકાય હતા. બાદમાં પતિ અને સબંધીઓએ સ્મીમેરના સ્ટાફ સાથે શોધખોળ કરવા છતા બાળક મળ્યું ન હોતું. હોસ્પિટલના CCTV ફૂટેજજોતા બાળકને તેની જ માતા હોસ્પિટલ ગેટ પર મૂકી આવી હોવાનું દેખાયું હતું. જેથી બાળકને ફરી ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું. એક માસની લાંબી સારવાર બાદ સોમવારના રોજ બપોરે આ બાળકનું મોત થયું હતું.