બારડોલી: કોરોના મહામારી વચ્ચે રાજ્યના આરોગ્ય, મહેસૂલ, પંચાયતથી માંડીને તમામ વિભાગોના અધિકારી/કર્મયોગીઓ નિષ્ઠા સાથે ફરજ બજાવી રહ્યા છે. ફરજ દરમિયાન અનેક કર્મયોગીઓ કોરોના સંક્રમણનો ભોગ પણ બન્યા છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તત્કાલિન તાલુકા વિકાસ અધિકારી જી.એસ.રાઠવાનું 23 ઓગસ્ટના રોજ કોરોના સંક્રમણને કારણે મોત થયું હતું. રાજય સરકારના નિયમ અનુસાર સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલના હસ્તે રૂપિયા ૨૫ લાખનો ચેક તેમના વારસદાર ધર્મપત્ની શરમીષ્ઠાબેન ગોવિંદભાઈ જૈનને અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે સુરત જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
કોરોનાથી મૃત્યુ પામનાર પલસાણાના તાલુકા વિકાસ અધિકારીના પરિવારજનોને 25 લાખની સહાય - સુરત જિલ્લા કલેક્ટર
સુરત જિલ્લા કલેક્ટર દ્વારા કોરોના વાઈરસને કારણે મૃત્યુ પામેલા પલસાણા તાલુકા વિકાસ અધિકારીના વારસદારોને રાજ્ય સરકાર તરફથી રૂપિયા ૨૫ લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
![કોરોનાથી મૃત્યુ પામનાર પલસાણાના તાલુકા વિકાસ અધિકારીના પરિવારજનોને 25 લાખની સહાય palsana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9201369-1092-9201369-1602857828308.jpg)
palsana
સ્વ.જી.એસ.રાઠવા 1993માં સીધી ભરતી દ્વારા વિસ્તરણ અધિકારી તરીકે તાપી જિલ્લાના નિઝર તાલુકામાં નિયુકત થયા હતા. બાદમાં ઉચ્છલ, બારડોલી, પલસાણા ખાતે ઉમદા સેવા આપી હતી. 2019થી પલસાણા તાલુકા વિકાસ અધિકારી તરીકે સેવા આપી રહ્યા હતા. 21 ઓગસ્ટના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું હતું.
આમ, અધિકારીના અવસાન બાદ તેમના પત્ની, સંતાનો અને પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સહાય કરવામાં આવી હતી.