સુરત: દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે જીવાદોરી સમાન સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે રાજુ પાઠકના જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સુમુલ ડેરની ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદના નામ માટેના વિવાદનો અંત આવ્યો હતો. સુરત સર્કિટ હાઉસમાં ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર અને વન પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સુમુલ ડેરી માટે પ્રમુખ તરીકે માનસિંગ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે રાજુ પાઠકના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ભાજપે સુમુલ ડેરીના પ્રમુખ તરીકે માનસિંગ પટેલના નામની જાહેરાત કરી સુમુલ ડેરીના પ્રમુખ પદ માટે છેલ્લા કેટલાક સમયથી માનસિંગ પટેલ અને રાજુ પાઠક વચ્ચે રસાકસી સાથે વિવાદ જોવા મળી રહ્યો હતો. સુમુલ ડેરીના પ્રમુખ પદ માટે 16 ડિરેક્ટરના મતદાન બાદ પરિણામ ટાઈ થતા પ્રમુખ પદ માટે કોની પસંદગી કરવામાં આવશે, તેની અસમંજસની સ્થિતી ભાજપમાં સર્જાઇ હતી. જેના કારણે હાઈ કમાન્ડને દખલ આપવી પડી હતી અને આખરે સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી હાઇકમાન્ડની બેઠકમાં સુમુલ ડેરીની ચૂંટણી માટે પ્રમુખ અને ઉપપ્રમુખ નામની જાહેરાત કરાઇ હતી. આ બેઠક માટે ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર અને વન પર્યાવરણ પ્રધાન ગણપત વસાવા હાજર રહ્યાં હતા.
- સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત
- સુમુલ ડેરીના પ્રમુખ તરીકે માનસિંગ પટેલ અને ઉપપ્રમુખ પદ તરીકે રાજુ પાઠકના નામની જાહેરાત
- ભાજપ હાઇકમાન્ડની બેઠકમાં લેવાયો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા આ વિવાદ માટે જે બેઠક મળી હતી, તે માત્ર 15 મિનિટમાં પૂર્ણ થઇ હતી. બેઠક પૂર્ણ થયા બાદ ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે સુમુલ ડેરીના પ્રમુખ પદ માટે માનસિંગ પટેલ અને ઉપપ્રમુખ માટે રાજુ પાઠકના નામની જાહેરાત કરી હતી.
સુમુલ ડેરીની ચૂંટણી યોજવા પહેલા માનસિંગ પટેલે રાજુ પાઠક પર ગંભીર ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા હતા. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ સાથે સુમુલના પૂર્વ પ્રમુખ રાજુ પાઠક પર વારંવાર પ્રહાર કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે ચૂંટણી માટે પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી, ત્યારે માનસિંગનો સુર બદલાઈ ગયો હતો. માનસિંગે જણાવ્યું હતું કે, તેમણે રાજુ પાઠક પર ભ્રષ્ટાચારના આરોપ નથી કર્યા માત્ર જણાવ્યું હતું. હિસાબમાં કોઈ ભૂલ દેખાઈ રહી છે. જો કે, હવે તેઓ સાથે મળીને સુમુલ ડેરીના ઉત્થાન અને પશુપાલકો માટે કાર્ય કરશે.
પૂર્વ પ્રમુખ રહી ચુકેલા અને હાલ ચૂંટણી માટે ઉપપ્રમુખના પદ માટે નામ જાહેર કરાયેલા રાજુ પાઠક પણ નામ જાહેર થતા માનસિંગ પટેલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો જાણે ભૂલી ગયા હતા. પરંતુ તેમના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. નામ જાહેર થયા બાદ રાજુ પાઠકે જણાવ્યું હતું કે, માનસિંગએ તેમની પર ભ્રષ્ટાચારના કોઈ પણ આરોપ લગાવ્યા નથી. માત્ર ક્યાં ભૂલ હોઇ શકે તેવું જ પોતાના આરોપમાં જણાવ્યું હતું. જો કે, આવનાર દિવસોમાં તેઓ માનસિંગ સાથે મળીને પશુપાલકો માટે કામ કરશે.