સુરતઃ કઠવાડા ગામે ખેતીલાયક જમીનમાં ઝેરી કેમિકલ ઠાલવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કેમિકલ કંપનીના અજાણ્યા લોકોએ કઠવાડા ગામની ખેતરાઈ સીમમાં હેઝાર્ડ વેસ્ટ નાંખી ગયા હતા. આ વાતને આજે ત્રણ મહિના થવા આવ્યા હોવા છતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(GPCB) અને સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનોને કોઈપણ પ્રકારનો સહકાર નહીં મળતા ગામલોકો હવે આક્રમક આંદોલનના મુડમાં છે. આ સાથે રોષે ભરાયેલા સ્થાનિક ખેડૂતો અનશન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
કઠવાડા ગામે ખેતીલાયક જમીનમાં ઝેરી કેમિકલ ઠાલવતા ગ્રામજનોમાં રોષ ખેડૂતોના જણાવ્યા મુજબ આ કેમિકલ વેસ્ટને કારણે આજુબાજુના ખેતીલાયક જમીનમાં મોટી આડઅસર થઇ રહી છે. આથી ખેડૂતોની માંગ છે કે, તાત્કાલિક ધોરણે કેમિકલ વેસ્ટ હટાવવામાં આવે અને નુકસાન સામે વળતર આપવામાં આવે.
આ અંગે કોસંબા પોલીસ અને GPCBને ફરિયાદ કરવામાં આવી હોવા છતાં તમામ અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે. ખેડૂતોની ફરિયાદને આધારે GPCBના અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા હતા અને ઝેરી વેસ્ટના સેમ્પલ લઈને ગયા હતા. આ વેસ્ટ પર્યાવરણ અને લોકો માટે હાનિકારક હોવાનો રિપોર્ટ આવ્યો છે.
હજૂ સુધી ઝેરી કેમિકલના વેસ્ટને હટાવવામાં આવ્યો નથી અને દોષિતો સામે પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ખૂબ ઝડપથી હવે ચોમાસુ બેસી જશે ત્યારે જો આ વેસ્ટ કેમિકલ બાજુની કીમ નદીમાં ભળી જશે તો આજુબાજુના ખેતરોમાં પ્રસરી જશે. ખેતીલાયક જમીન ગુણવત્તા ગુમાવી રહી હોવાનું પણ ખેડૂતોનું કહેવું છે. આગામી 29 જૂન પછી ખેડૂતો અનશન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.