- છઠ્ઠી વાર પ્લાઝમા ડોનેટ કરી અન્ય લોકોને પ્રેરણા આપી છે
- હજુ પણ 15 દિવસ પછી પ્લાઝમા આપીશ
- ICMR અને NBTCની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે
સુરતઃ વિપુલભાઈ મૂળ બોટાદ જિલ્લાના નિંગાળા ગામના વતની અને હાલ કતારગામ સિંગણપોર રોડની માધવપાર્ક સોસાયટીમાં રહે છે. કોરોનામુક્ત થઈ અગાઉ પાંચ વાર પ્લાઝમા ડોનેટ કરી ચૂકેલા વિપુલભાઈએ નવી સિવિલ ખાતે છઠ્ઠી વાર પ્લાઝમા ડોનેટ કરી અન્ય લોકોને પ્રેરણા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘ગત વર્ષે જૂનના પ્રથમ સપ્તાહમાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મને નવી સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જ્યાં 08 દિવસ સુધી ડોક્ટરોની ઉમદા સારવારના કારણે હું કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચોઃસકારાત્મક સુરતઃ વધુ 42 રત્ન કલાકારોએ પ્લાઝમા દાન કર્યું
એન્ટી બોડી લેવલ 9.78 આવ્યું હતું
મારો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો ત્યારે જ મેં સંકલ્પ લઈ લીધો હતો કે, ‘મને કોરોનામાંથી ઉગારનાર સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોને મારી જયારે પણ જરૂર પડશે, ત્યારે હું ચોક્કસ મદદ કરીશ. ત્યારબાદ મારી સારવાર કરનાર ડોક્ટરની સલાહથી પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય કરી સિવિલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, મારું એન્ટી બોડી લેવલ 9.78 આવ્યું હતું. અત્યાર સુધીમાં છ વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. જેનો મને ખુબ આનંદ છે. હજુ પણ 15 દિવસ પછી પ્લાઝમા આપીશ.
પ્લાઝમાનો ઉપયોગ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે
સિવિલની બ્લડ બેંકના ઇન્ચાર્જ ડો.મયુર જરગ જણાવે છે કે, સિવિલ તંત્ર દ્વારા કોવિડના સ્વસ્થ થયેલા દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરતી વખતે ICMR અને NBTCની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે. પ્લાઝમા લેતી વખતે ડોનરનો એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે. કોરોનામુક્ત થયેલા દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનો જ પ્લાઝમા લેવામાં આવે છે.