બારડોલી:સુરતના બારડોલી શહેરથી વાલોડ જવાના રસ્તે આવેલું આફવા ગામમાં પ્રવેશતા જ જાને વિદેશમાં આવી ગયા હોય તેનો અહેસાસ થાય છે. 80 ટકા ગામના લોકો NRI છે. સુરતના મુખ્ય શહેરથી લગભગ 40 કિલોમીટરના અંતરે આવેલું આ ગામમાં આદિવાસી, પાટીદાર અને માહ્યાવંશી સમાજના લોકો વસવાટ કરે છે. જયારે મહારાષ્ટ્ર અને ગુજરાત એક હતું તે સમયથી આદર્શ ગામની નામના મેળવી ચૂકેલું આફવા ગામની પરંપરા આજે પણ યથાવત છે.
સાંજ સવાર સ્પીકરમાં વાગે છે મધુર સંગીત:સવારના લગભગ 7 વાગ્યા અને ETV ભારતની ટીમ આફવા પહોંચી ત્યારે ગલીઓમાં ભજન વાગતા હતા. ETV ભારતની ટીમની સૌપ્રથમ મુલાકાત ગામના માજી સરપંચ અને આગેવાન એવા લલ્લુ ભાઈ પટેલ સાથે થઇ. ગામના માજી સરપંચ અને આગેવાન લલ્લુ ભાઈ જણાવે છે કે, 'સવાર સાંજ મધુર ભજનથી ગામનું વાતવરણ ભક્તિમય થઇ જાય છે. મધુર સંગીતથી લોકોને મનોરંજન પણ મળે છે સાથે સાથે સવાર સાંજ ભજનથી લોકોમાં સંસ્કારોનું સિંચન પણ થાય છે. ગામમાં ઇન્ટરનેટની સુવિધા પણ કરવામાં આવી છે'
તમામ વાયરો અંડરગ્રાઉંડ:ETV ભારતની ટીમ ગામના અન્ય વિસ્તારોમાં પહોંચી ત્યારે જોવા મળ્યું કે સમગ્ર ગામમાં વીજળી, કેબલ ટીવી કે ઇન્ટરનેટના વાયરો લટકતા જોવા મળતા નથી. તમામ વાયરો અંડરગ્રાઉંડ કરી દેવામાં આવ્યા છે. ગામમાં દરેજની સુવિધા જોઈને પણ આશ્ચર્યચકિત થઇ જવાય છે. આ અંગે માજી સરપંચને પૂછતાં તેઓ જણાવે છે કે, 'આફવામાં 1975 માં જ અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમને લાગુ કરી દેવામાં આવી હતી. તેથી જ મહારાષ્ટ્ર અને ગુજરાતનું જયારે સંયુક્ત સાશન ચાલતું હતું ત્યારથી અમારા ગામને આદર્શ ગામ જાહેર કરવામાં આવ્યું છે. અમે લોકો આ પરંપરા આજે પણ યથાવત રાખી છે.'
કેવી રીતે થાય છે આયોજન?:ગામમાં સૌથી વધુ વસ્તી હળપતિ સમાજની છે. ઉપરાંત પાટીદાર સમાજ અને માહ્યાવંશી સમાજના લોકો પણ શાંતિપૂર્વક રહે છે. પાટીદાર સમાજ વર્ષોથી વિદેશમાં સ્થાયી થયો છે. 80 ટકા લોકો વિદેશમાં વસવાટ કરે છે. માજી સરપંચ જણાવે છે કે, 'દર વર્ષે NRI નવેમ્બર-ડિસેમ્બરમાં ગામમાં આવે છે ત્યારે જે કામ કરવાનું હોય તે અંગે ચર્ચા કરવામાં આવે છે. બેઠકમાં ગામની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવે છે અને ત્યારબાદ વિકાસના કયા-કયા કામ કરવાના છે તે નક્કી કરવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન બેઠકમાં નક્કી કરવામાં આવેલા કામોની કામગીરી કરવામાં આવે છે.'