બારડોલી: કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનથી લોકોને આર્થિક નુકસાની વેઠવી પડી છે. ત્યારે રાજ્યમાં ગુનાખોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. તો બારડોલી શહેરના ગાંધીરોડ પર આવેલા ખોડિયાર નગર સોસાયટીમાં રહેતા ધવલકુમાર દિલીપસિંહ ગોડાદરીયા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જે શુક્રવારે સાંજે પોતાની પત્ની પ્રિયંકા અને પુત્રી ક્રિવા સાથે બાબેનના તળાવ પર ફરવા માટે ગયા હતા. જ્યાંથી રાત્રે 8.30 વાગ્યાની આસપાસ પોતાની બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અલંકાર સિનેમાથી રેલ્વે સ્ટેશન તરફ જતાં રોડ પર રોંગસાઈડ પર પૂર- ઝડપે આવતી ઓટો રિક્ષા તેમની મોટરસાયકલ સાથે અથડાતાં ત્રણેય નીચે પટકાયા હતા, તેમજ રિક્ષા પણ પલટી મારી ગઈ હતી.
આ દરમિયાન રિક્ષામાં સવાર બે શખ્સો રિક્ષા ઊભી કરી ભાગવા જતાં હતા ત્યારે ધવલે રિક્ષા પકડી રાખતા પાછળ બેસેલા એક શખ્સે ધવલને ખેંચીને રિક્ષામાં બેસાડી નાસી છૂટયા હતા, બાદમાં ચાલુ રિક્ષાએ ધવલને ઢીકામુક્કીનો માર મારી ગળું દબાવી દીધું હતું. ત્યારે ધવલે બૂમાબૂમ કરતાં રિક્ષા ખરવાસા રોડથી અસ્તાન તરફ જતાં સૂમસામ રોડ પર હંકારી મૂકી ત્યાં એક અવાવરુ જગ્યા પર ધવલને માર મારી તેની પાસેથી એક તોલાની સોનાની ચેન કિમત રૂ. 30 હજાર, પત્નીનો મોબાઇલ ફોન કિમત રૂ. 5 હજાર અને રોકડા રૂ. 800 સહિત આધારકાર્ડ, એટીએમ કાર્ડ, લાઇસન્સ સહિત અન્ય દસ્તાવેજો સાથેનું પાકીટ ઝૂંટવી લઈ તેને અવાવરુ જગ્યા પર છોડીને નાસી છૂટ્યા હતા.