કેન્સરમાં પુત્રના મોત બાદ વિરહમાં પટેલ દંપતીએ કર્યો આપઘાત - પટેલ દમ્પતીનો આપઘાત
સુરત: ચાર માસ અગાઉ બ્લડ કેન્સરના કારણે પુત્રને ગુમાવનાર દંપતીએ આપઘાત કર્યો છે. પુત્રના વિરહમાં સરી પડેલા પટેલ દંપતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી છે. જે સુસાઇડ નોટમાં આપઘાત કરવા પાછળનું કારણ જાતે હોવાનું જણાવ્યું છે. પટેલ દંપતીના આપઘાતને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે ખટોદરા પોલીસ દ્વારા પટેલ દંપતીની મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
ભટારના અલથાણ ખાતે આવેલા ક્રિષ્ના પેલેસમાં રહેતા ભરતભાઇ પટેલના પુત્ર પ્રેમ પટેલનું ચાર માસ અગાઉ બ્લડ કેન્સરની બીમારીથી મોત થયું હતું. તેમનો પુત્ર કોલેજના ચોથા વર્ષમાં સાયન્સનો અભ્યાસ કરતો હતો. જ્યાં છેલ્લા ચાર માસથી ભરતભાઈ પટેલ અને તેમની પત્ની પલ્લવીબેન પટેલ પુત્રના મોતથી હતાશામાં ગરકાવ થઈ ગયા હતાં. આજે પુત્રની ચોથી પુણ્યતિથિ હતી અને પુત્રની પુણ્યતિથિએ જ સવારના આઠ વાગ્યે બંને પટેલ દંપતીએ ઘરમાં સિલિંગ વડે દુપટ્ટો દઈ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણકારી ખટોદરા પોલીસને મળતા પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ શરૂ કરી હતી.