સુરત: શહેરમાંથી ડ્રગ્સની હેરાફેરી કરતા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બન્ને પાસેથી પોલીસે 5 લાખનું 100 ગ્રામ પ્રતિબંધિત એમ.ડી. ડ્રગ્સ કબ્જે કર્યું છે અને ડ્રગ્સ મોકલનારા અને આપનારા સહિત 4 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે. બે આરોપીઓમાં ઈમ્તિયાઝ નામના આરોપી અગાઉ વર્ષ 2019માં ડ્રગ્સની હેરાફેરી કરતો ઝડપાઇ ચૂક્યો છે.
સુરતમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક ઈસમો સુરતમાં ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પુણા સ્થિત સરદાર માર્કેટ પાસેથી ઝાપા બજાર ખાતે રહેતા મુસ્તફા જોહર વાણા અને ઈમ્તિયાઝ ઉર્ફે લાલા ફિરોજ મલેક નામના ઇસમને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતી લેતા તેઓની પાસેથી 100 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું, જેથી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 5 લાખની કિંમતનું 100 ગ્રામ ડ્રગસ, 50 હજારની કિંમતની એક બાઇક અને 30 હજારની કિંમતના 3 મોબાઈલ ફોન મળી કુલ 5.80 લાખની મત્તા કબ્જે કરી છે.
વધુમાં ઝડપાયેલા બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા હતા. જો કે, હાલ પોલીસે તેઓની ધરપકડ કરી લીધી છે અને આ ડ્રગ્સ મંગાવનારા અને આપનારા સહિત 4 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બંને આરોપીઓ સુરતમાં ડ્રગ્સ કોને આપવાના હતા, તે મામલે હાલ પૂછપરછ પીસીબી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. સુરત એસઓજી પોલીસે ઝડપી પાડેલા બે આરોપી પૈકી ઈમ્તિયાઝ ઉર્ફે લાલા ફિરોજ મલેક 2019માં 39 ગ્રામ ડ્રગસ સાથે ઝડપાયો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. જો કે, હાલ આ મામલે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આ મામલે આગામી સમયમાં ચોંકાવનારી વિગત બહાર આવે તેવી શકયતા છે.