- હિંડોલીયા ગામ નજીક અકસ્માત
- યુવકો રોડ કિનારે ઉભા હતા ત્યારે ટેન્કરે મારી ટક્કર
- દીપડાનો સર્વે કરવા જઈ રહ્યાં હતાં યુવકો
સુરત: જિલ્લાના બારડોલી તાલુકાના હિંડોલીયા ગામ નજીક પુરઝડપે આવતા ટેન્કરે એક બાઇકને અડફેટમાં લીધા બાદ સાઈડે ઉભેલી કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર પાછળ બેઠેલા યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે બાઇક ચાલાક અને કાર ચાલકને ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ભોગ બનનારા યુવકો બારડોલીની ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટીમના સભ્યો છે અને તેઓ દીપડાનો સર્વે કરવા સેજવાડ ગામે જવા નીકળ્યા હતા.
સેજવાડ ગામમાં દીપડો દેખાતા સર્વે કરવા ગયા હતા
બારડોલીના માહ્યાવંશી મહોલ્લામાં રહેતો જતીન જયંતિ રાઠોડ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ નામથી સંસ્થા ચલાવે છે અને તેઓ પશુ પક્ષીઓના રેસ્ક્યૂનું કામ કરે છે.
ગત 29મી જાન્યુઆરીના રોજ તેમને સેજવાડ ગામના સરપંચ દર્શન પટેલે ગામમાં દીપડો દેખાય રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી તેમની ટીમ દ્વારા સેજવાડમાં દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન શનિવારે રાત્રે જતીન તેમજ તેમની સાથે રેસ્ક્યૂનું કામ કરતો યશ મનુ પટેલ, પ્રકાશ ચૌહાણ અને કિરણ બચુભાઈ ચૌધરી દીપડાનો સર્વે કરવા માટે નીકળ્યા હતા.
બે યુવક મોટરસાયકલ પર અને બે યુવકો કારમાં ગયા હતા
જતીન રાઠોડ અને પ્રકાશ તેમની કાર નંબર જીજે 19એએફ 6733માં ગયા હતા, જ્યારે યશ પટેલ તેની મોટર સાયકલ પર રવાના થયો હતો. ત્રણેય રેસ્ક્યુ કરવા માટે કાર અને બાઇક પર નીકળ્યા હતા.