સુરત: ગુજરાતમાં ગાંઠિયા સૌથી પ્રખ્યાત નાસ્તો છે પરંતુ ઘણા લોકોને ખબર ના હશે કે ગાંઠીયા માતાજીના મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. સુરતના પાર્લે પોઇન્ટ અને કાપોદ્રા વિસ્તારમાં ખોખલી માતાનું મંદિર આવેલ છે. વર્ષો જુના આ મંદિરમાં માન્યતા છે કે જે લોકોને ઉધરસની તકલીફ હોય અને અહીં મંદિરમાં આવીને માનતા માને તો તેમની આ તકલીફ દૂર થઈ જાય છે અને લોકો અહીં માનતા પૂર્ણ થયા બાદ માતાજી ને પ્રસાદ રૂપે ગાંઠિયા અર્પણ કરે છે. દેશ વિદેશ થી લોકો અહીં બાધા પૂરી કરવા આવે છે અને બાધા પુરી થતા અહીં માતાજીને ગાંઠિયા ચઢાવવામાં આવે છે.
100 વર્ષ કરતા પણ વધુ જૂનું મંદિર:સુરતમાં ઘણા એવા માતાજીના મંદિરો છે જેનું પોતાનું આગવું એક મહત્વ છે. આવું જ એક મંદિર ખોખલી માતાનું છે. પાર્લે પોઇન્ટ અંબિકા નિકેતન પાસે જ ખોખલી માતાનું મંદિર છે જે 100 વર્ષ કરતા પણ વધુ જૂનું મંદિર છે. લોકો અહીં ખાંસીની બાધા રાખે છે. આ મંદિરની દેખ-રેખ રાખતા પરિમાલ ગજ્જરે જણાવ્યું હતું કે, આ મંદિર ખૂબ જૂનું મંદિર છે. લોકવાયકા પ્રમાણે આ મંદિર પાસે પહેલા એક કૂવો હતો. જે લોકોને કોઈ બીમારી કે ખાંસી થાય તેઓને આ કુવાનું પાણી પીવડાવવામાં આવતું હતું. પાણી પીવાથી લોકોની ખાંસી સારી થઈ જતી હતી. પહેલા અહીં માત્ર નાનકડી ડેરી જેવું મંદિર હતું.
કોરોના કાળમાં લોકોએ બાધા રાખી:તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ અહીં કૂવો નથી પંરતુ માતાજીની લોકો બાધા રાખે છે. માતાજીની તેઓની બાધા પુરી કરે છે. લોકો બાધા પુરી થતા અહીં ગાંઠિયા ચઢાવે છે. દેશ વિદેશ થી ગુજરાતીઓ ખોખલી માતાજીની બાધા રાખે છે. તેઓની બાધા પુરી થતા અહીં બાધા પુરી કરવા પણ આવે છે. કોરોના કાળમાં પણ લોકો મોટી સંખ્યામાં લોકો અહીં બાધાર રાખવા આવતા હતા. લોકોની માન્યતા છે કે આવા કપરા સમયમાં પણ માતાજી આશીર્વાદ આપી તેમની ઉધરસની સમસ્યા દૂર કરી હતી.