સુરત : શહેરના વરાછા વિસ્તારમાં આવેલી કુબેર પાર્ક સોસાયટીને અડીને ખાડી આવેલી છે. સ્થાનિક લોકો દ્વારા આ ખાડી પૂરવા માટે સુરત મહાનગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા આ ખાડી પૂરવામાં આવી ન હતી. જેને કારણે એક માસૂમ બાળક આજે ગુમ છે. ખાડીને અડીને આવેલી બિલ્ડીંગના પહેલા માળે એક ચાર વર્ષનો બાળક પોતાની ગેલેરીમાં રમી રહ્યો હતો. તે દરમિયાન એકાએક જ બાળકનો પગ લપસી જતાં તે પહેલાં માળેથી સીધો ખાડીમાં પડ્યો હતો. બાળક ખાડીમાં પડયો હોવાની જાણ થતા જ સ્થાનિક લોકો તેમજ પરિવારજનો દોડતા થયા હતા.
ચાર વર્ષીય બાળકનો પગ લપસી જતાં ખાડીમાં ગરકાવ - સુરત મહાનગરપાલિકા
વરાછા વિસ્તારમાં મહાનગર પાલિકાની બેદરકારીને કારણે એક માસૂમ બાળક ગુમ છે. આ બાળક પોતાના બિલ્ડિંગના પહેલા માળે રમી રહ્યો હતો. તે દરમિયાન એકાએક બાળકના પગ લપસી જતાં તે ખાડીમાં પડયો હતો. જેને કારણે સ્થાનિક લોકોમાં પણ દોડધામનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિક લોકો તથા વિભાગના કર્મચારીઓ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે બાળકનો પત્તો લાગ્યો ન હતો.
ચાર વર્ષીય બાળકના પગ લપસી જતાં તે ખાડીમાં પડયો
શરૂઆતના સમયે સ્થાનિક લોકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં તેનો ક્યાંય પણ પત્તો ન લાગતા આખરે ફાયર વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. હાલ સ્થાનિક લોકો તેમજ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
જોકે કલાકોની જહેમદ બાદ પણ બાળકનો કોઈ પત્તો ન લાગતા પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું છે.
Last Updated : Mar 16, 2020, 2:48 PM IST