સુરત :થોડા દિવસ અગાઉ માંગરોળ તાલુકાના આંકરોડ ગામની સીમમાં પશુ ચરાવી રહેલા બાળક પર ખુંખાર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગની ટીમે રાત દિવસ એક કર્યા હતા. ગત મોડી રાત્રે વન વિભાગ દ્વારા ગોઠવેલા પાંજરામાં આખરે માનવભક્ષી દીપડો મારણની લાલચે પાંજરે પુરાઈ ગયો હતો. આ અંગેની માહિતી મળતા સ્થાનિક લોકો સહિત સમગ્ર પંથકમાં રાહત થઈ હતી. ઉપરાંત પાંજરે પુરાયેલા દીપડાને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા.
માનવભક્ષી દીપડાનો હુમલો : બનાવની મળતી વિગત અનુસાર સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આંકરોડ ગામની સીમમાં ગણેશ ચતુર્થીના તહેવારને લઈને શાળામાં રજા હતી. ત્યારે સતીશ વસાવા નામનો 11 વર્ષીય બાળક તેના મિત્રો સાથે ગામની સીમમાં પશુ ચરાવવા ગયો હતો. તે દરમિયાન શેરડીના ખેતરમાંથી દબાતા પગલે એક માનવભક્ષી દીપડો આવ્યો હતો. દીપડાએ અચાનક હુમલો કરી સતીશ વસાવાને ગળાના ભાગેથી દબોચી શેરડીના ખેતર બાજુ ખેંચી જવા પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન હાજર અન્ય બાળકોએ બૂમાબૂમ કરતા દીપડો બાળકને છોડી શેરડીના ખેતરમાં ભાગી ગયો હતો.