ગુજરાત

gujarat

ETV Bharat / state

અગાસી પર ક્રિકેટ રમી રહેલા 7 વર્ષીય બાળકનું નીચે પટકાતાં મોત

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામે પાંચ માળના એપાર્ટમેન્ટની અગાસી પર ક્રિકેટ રમી રહેલો સાત વર્ષનો બાળક સંતુલન ગુમાવી દેતાં નીચે પટકાયો હતો. બાળકને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.

અગાસી પર ક્રિકેટ રમી રહેલા 7 વર્ષીય બાળકનું નીચે પટકાતાં મોત
અગાસી પર ક્રિકેટ રમી રહેલા 7 વર્ષીય બાળકનું નીચે પટકાતાં મોત

By

Published : Jun 3, 2021, 10:38 PM IST

  • અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો ક્રિકેટ
  • બાળકના પિતાનું એક વર્ષ અગાઉ થયું હતું મોત
  • લોખંડની રેકડી પર પડતા ગંભીર ઇજા થઇ હતી

બારડોલી : કામરેજ તાલુકાનાં આંબોલી ગામે એપાર્ટમેન્ટના પાંચમા માળે અગાસી પર રમતી વખતે 7 વર્ષનો બાળક નીચે પટકાયો હતો. તે સીધો લોખંડની રેકડી પર પડતાં ગંભીર ઇજા થવાથી તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

અગાસી ખુલ્લી હોઈ બોલ પકડવા જતા નીચે પટકાયો

મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના બહાદુરપુર ગામના વતની અને હાલ કામરેજ તાલુકાનાં ખોલાવડ ગામે આવેલ ગુરુકૃપા સોસાયટીમાં રહેતા ભરતભાઇ કાળુભાઈ ગરણીયા સફાઈ કામદાર તરીકે કામ કરી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. તેમના ભાઈ ભગતભાઈનું એક વર્ષ પહેલા જ અવસાન થયું હતું. ભગતભાઈનો પરિવાર કામરેજ તાલુકાનાં આંબોલી ગામે આવેલ શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહે છે. ભગતભાઈનો 7 વર્ષનો પુત્ર એપાર્ટમેન્ટની અગાસી પર પાંચમા માળે અન્ય બાળકો સાથે બોલબેટ રમી રહ્યો હતો તે સમયે બોલ પકડવા જતાં અગાસીની દીવાલ ખુલ્લી હોય તે નીચે પટકાયો હતો.

હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયું મોત

તે પાંચમા માળેથી સીધો નીચે મૂકેલી રેકડી પર પડ્યો હતો. તેને માથા અને બંને હાથના ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મંગળવારે સાંજે મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details