સુરતઃ જીવતા લોકો સરકારી બાબુઓના ત્રાસ અનુભવતા હોય એવા અનેક કિસ્સાઓ તો આપે સાંભળ્યા હશે, પરંતુ મૃત્યુ બાદ પણ સરકારી બાબુઓ કેવી રીતે મૃતકોના પરિવારજનોને ધક્કા ખવડાવીને પૈસાની માગ કરી માનવતાની ઠંડા કલેજે હત્યા કરે છે. આવો જ એક માનવતાની હત્યા કરતો કિસ્સો સામે આવ્યો છે.
રાજ્ય વીમા નિગમની કચેરીમાં કામ કરતો રૂપિયા 65 હજારનો પગારદાર મેનેજર વિરેન્દ્ર સિંહ 20 હજારની લાંચમાં ACBએ ગોઠવેલા છટકામાં આવી ગયો હતો. આ લાંચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા માટે એક મહિલા પાસેથી રૂપિયા 20,000ની લાંચ માગી હતી.
આ મહિલાના પતિનું બે મહિના પહેલા અવસાન થયું હતું. કંપની દ્વારા કર્મચારીનો વીમો લેવામાં આવેલો હતો. જેથી ફરજ દરમિયાન અકસ્માતમાં અવસાન થતા તેની પત્નીને પેન્શન મળવા પાત્ર છે. જે પેન્શન મેળવવા માટે મહિલાએ રાજ્ય વીમા નિગમની કચેરીમાં ગઈ હતી. જ્યાં પેન્શન મંજૂર કરવા માટે મેનેજર વિરેન્દ્ર સિંધ પાલને મળી હતી.
હજૂ પેન્શન નક્કી કરાય તે પહેલાં જ મેનેજરે 20 હજારની લાંચ માગી હતી. જે અંગે મહિલાએ પોતાના પુત્રને જાણ કરી હતી. પિતાનું અવસાન થયું ઉપરથી માતાને પતિનું પેન્શન મળી રહે, જેનાથી તેનો જીવનનિર્વાહ ચાલે, આ પહેલા જ મેનેજરની આ કરતૂતથી મૃતકની પત્ની અને પુત્ર બન્ને વ્યથિત થઈ ગયા હતા. લાંચિયા મેનેજરે લાંચની માંગણી કરતા પુત્રએ આવા લાંચિયાને સબક શીખવવા માટે ACBમાં ફરિયાદ કરી હતી. પુત્રએ કરેલી ફરિયાદ આધારે લાલ દરવાજા કર્મચારી રાજ્ય વીમા નિગમની કચેરીના મેઈન ગેટની સામે ACBએ છટકું ગોઠવીને મેનેજર વિરેન્દ્ર સિંહ ઉમરાવ સિંહ પાલને 20 હજારની લાંચ લેતા રંગેહાથે પકડી પાડયો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય વીમા નિગમનો મેનેજર વિરેન્દ્ર સિંહ પાલ વર્ષ 2008થી નોકરીમાં જોડાયો હતો. એક વર્ષ પહેલા તેની રાજસ્થાન જયપુરથી સુરત ખાતે બદલી થઈ હતી.