સુરત: જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાની સાથે ઉત્પાદનની કિંમત પણ વધુ મળી રહી છે, ત્યારે આ નાની શરૂઆત આગામી સમયમાં નવી પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નવી ક્રાંતિના મંડાણ કરે તો નવાઈ નહી.
બારડોલીમાં ગાંધીજીની સ્વરાજની કલ્પના ગાય અને ગ્રામ આધારિત હતી. ભારતીય દેશી ગાયની માનવજીવનમાં ઉપયોગિતા વિશે વેદ-પુરાણો, ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખો છે. ભારતીય સંસ્કૃતિમાં લોકો પરંપરાગત રીતે પ્રકૃતિ તેમજ ગૌમાતાને પૂજતા આવ્યાં છે. પુરાતનકાળમાં થતી ગૌઆધારિત ખેતી આધુનિક યુગમાં પણ મૂર્તિમંત થઈ રહી છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના 65 જેટલા ખેડુતોએ રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને સુભાષ પાલેકર પ્રેરિત ગાય આધારિત ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેતી કરવાનો પ્રારંભ કર્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સરાહનીય પ્રયાસોના પરિણામે દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જેના સારા પરિણામો મળી રહ્યાં છે.
ગૌઆધારિત પ્રાકૃતિક ખેતી થકી સામાન્ય જનતાની રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે કલાઇમેન્ટ ચેઇન્જ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. તંદુરસ્ત ધરતી અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં પ્રાકૃતિક ખેતી રામબાણ ઇલાજ છે.
આજના આધુનિક યુગની ખેતીમાં ખાતર અને પાણીનો બેફામ ઉપયોગ કરવાના કારણે ધીમે-ધીમે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય છે. ઝેરયુકત પેસ્ટીસાઈડઝના ઉપયોગથી કેન્સર, ડાયાબિટીસ જેવા ઘાતક રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. તેવા સમયે ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી કરીને શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક પાકનું ઉત્પાદન લઈ શકાય છે. રાસાયણિક ખાતરો અને દવા મોંઘી અને સરવાળે હાનિકારક છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જૈવિક ખાતરો અને જીવામૃત્ત ઘરે બનાવવા બહુ જ સરળ છે.
મહુવા તાલુકાના વડીયા ગામના બરડી ફળીયાના આદિવાસી ખેડૂત પ્રકાશભાઈ ચંદુભાઈ પટેલે એક વર્ષ પહેલા વડતાલ ખાતે સુભાષ પાલેકરની દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે સાત દિવસની રાજયકક્ષાની તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો. પ્રકાશભાઈ જણાવે છે કે, 'તાલીમ બાદ મનમાં એક સંકલ્પ કર્યો કે, હવે પ્રાકૃતિક ખેતી કરવી જ છે. ઘરે આવીને શરૂઆતમાં જીવામૃત બનાવવા માટે ગામની નજીકમાં આવેલી ગૌશાળામાંથી દેશી ગાયના છાણીયા ખાતર, ગૌમુત્ર લાવીને જીવામૃત બનાવ્યું અને શેરડીના પાકમાં તેનો ઉપયોગ શરૂ કર્યો. સારો ફાયદો જણાતા બે ગીર નસ્લની વાછરડીઓ ખરીદી કરીને ઘરે જ જીવામૃત, દશપર્ણીઅંક જેવી દવાઓ જાતે જ બનાવીને પાકમાં છંટકાવ કરૂ છું.
પ્રાકૃતિક ખેતીએ ટૂંકા ગાળામાં સારો એવો નફો આપ્યો હોવાનું જણાવતાં તેઓ ઉમેરે છે કે, મારી પાસે ચારેક વિઘા જમીન હોવાથી ભીંડો, રીંગણ જેવા શાકભાજી પાકો તથા ડાંગર, શેરડી જેવા રોકડીયા પાકો લઉ છુ. જાન્યુઆરી મહિનામાં ભીંડાનું વાવેતર કર્યું હતું. કોઈ પણ પ્રકારના પેસ્ટીસાઈડઝનો ઉપયોગ કર્યા વિના માત્ર પ્રાકૃતિક દવાઓ દ્વારા ભીંડા પકવ્યા. ત્યારે ભીંડા રૂપિયા 50 કિલોનો ભાવ ઉપજતો હતો. અન્ય ભીંડા માર્કેટમાં રૂપિયા 50 મણના ભાવે વેચાતા. મારા ખેતરમાં ઉગાડેલા ભીંડા અઠવાડિયાં સુધી બગડતા નથી. એક વાર ચાખ્યા બાદ એના મીઠા સ્વાદનું વળગણ થઈ જાય છે.