સુરતઃ શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા 2855 થઈ છે. સુરતમાં કુલ મૃત્યુઆંક 108 થઈ ગયો છે. એક સમયે સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોન કોરોનાનું એપિક સેન્ટર હતું, ત્યાર હવે કતારગામ ઝોન એપી સેન્ટર બન્યું છે. તેમાં પણ ખાસ કરીને હીરા ઉદ્યોગ કોરોનાના નિશાના પર છે, જેમાં કારખાનામાં કામ કરતા રત્ન કલાકારોનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. કતારગામ ઝોનમાં 50 ટકા કોરોના સંક્રમિત હીરા ઉદ્યોગ સાથે સંકડાયેલા છે. જેને પગલે મહાનગરપાલિકા દ્વારા ખાસ માર્ગદર્શિકા બહાર પાડવાની જરૂર પડી છે.
કમિશ્નર બનછાનિધિ પાનીની પ્રતિક્રિયા દેશની માફક ગુજરાતમાં સતત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે, જેમાં સુરતનો નંબર અમદાવાદ પછી બીજો આવે છે. રવિવારે સાંજે શહેર-જિલ્લામાં નવા પોઝિટિવ 92 કેસો સાથે કુલ 2855 કેસોનો આંકડો થયો છે. હાલ પોઝિટિવનો રેશિયો 10 ટકા પહોંચ્યો છે. જેમાં કતારગામમાં વધુ 25 કેસો છે. સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોન બાદ હવે કતારગામ ઝોનમાં પોઝિટિવ કેસો વધી રહ્યા છે, અહીં જે કેસો પોઝિટિવ આવી રહ્યા છે, તેમાં 50 ટકા કિસ્સા એવા છે કે, ડાયમંડ વર્કરો છે. એટલે કે, હીરાની ફેક્ટરીમાં રત્ન કલાકારોને કોરોના થઇ રહ્યો છે. માત્ર એવું નથી કે, રત્ન કલાકારને કોરોના થઇ રહ્યો હોય, પરતું તેમના પરિવારજનો પણ આ રોગથી બચી શક્યા નથી, ક્યાંક પત્ની, ભાઈ-બહેન, તો ક્યાંક પરિવારના કોઈ વડિલ પોઝિટિવ આવ્યા છે. જે હવે મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ માટે ચિતાનો વિષય બની ગયો છે.સુરતના કતારગામમાં જે પોઝિટિવ કેસો આવ્યા છે તેમાં મોટા ભાગના રત્નકલાકારો છે. જે પાછળનું કારણ પણ ચોંકાવનારૂ છે. જે હીરા કંપનીઓ કે ફેક્ટરીઓમાં પોઝિટિવ કેસો સામે આવ્યા છે, તેમાં હીરા ઘસવાની જગ્યાએ એક ઘંટી પર ચાર લોકો બેઠા હોય છે, આમ નાની નાની ફેક્ટરીમાં જ્યાં ચાર અને પાંચ ઘંટી હોય છે, ત્યાં 20 રત્ન કલાકારોને બેસાડવામાં આવે છે. જેમાં સ્પષ્ટ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નથી. આ સાથે જ માસ્કનો ઉપયોગ પણ કરતો ન હોવાથી પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આવા સંજોગોમાં ઉદ્યોગકારો સાથે બેઠક કરી એક ઘંટી પર એક વ્યક્તિને બેસાડવા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.હીરા ઉદ્યોગમાં કોરોના પ્રવેશતા ઉદ્યોગમાં ફફડાટનો માહોલ છે. કારણ કે, લાખો લોકો આ ઉદ્યોગમાં જોડાયેલા છે, ત્યારે જો સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો પોઝિટિવ કેસોની સંખ્યા વધતી જશે તેમાં કોઈ શંકા નથી. બીજી તરફ જે-જે કંપની કે યુનિટમાંથી પોઝિટિવ કેસો સામે આવ્યા છે, તેમની સામે પણ મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અનેક કંપનીઓને નોટીસ ફટકારી અથવા તો આર્થિક દંડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 1000થી વધુ લોકો અહીં કવોરન્ટઇન પણ કરાયા છે.આ ઉપરાંત અત્યાર સુધી શાકભાજીવાળા, દૂધવાળા, ફ્રુટવાળા, કરીયાણાવાલા વગેરે સુપર સ્પ્રેડર તરીકે કોરોનાને ફેલાવી રહ્યા હતાં. હવે આ યાદીમાં રત્નકલાકારોનું નામ પણ આવી ગયું છે. કતારગામમાં વધતા આંકડાઓ રોકવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ઉપરાંત ફરજીયાત હોમ કવોરન્ટઇનનું પાલન કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિસ્ફોટક સ્થિતિ ઉદ્દભવી શકે છે.