સુરત: એરપોર્ટ ઓથોરિટીની નોટિસ બાદ માહોલ ગરમ થતા અને રહેવાસીઓની માગણીને ધ્યાનમાં રાખીને ફરી 2019માં સુરત મહાનગર પાલિકા, પી.ડબ્લ્યુ.ડી, એરપોર્ટ ઓથોરિટી અને રહેવાસીઓને સાથે રાખીને એરોનોટીકલ સર્વેનું આયોજન કરવામાં આવ્યું. જે સર્વે રિપોર્ટ મુજબ નડતરરૂપ બિલ્ડિંગ પ્રોજેક્ટની સંખ્યા 18માંથી વધીને 41 થઇ ગઇ હતી. જે બાદ સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ ઈમારતોને નોટિસ આપીને નડતરરૂપ ઉચાઇ ઓછી કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું.
વર્ષ 2007 થી 2017 સુધી નિયમિત રીતે એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટની આજુબાજુની ઈમારતોનું સર્વેના થયું હોવાથી બિલ્ડરો દ્વારા તકનો લાભ લઈને વધારે ઉચાઈમાં બિલ્ડિંગ બાંધી દેવામાં આવી. આ સમગ્ર મામલો હાલ તપાસ હેઠળ છે અને કોર્ટમાં કેસ પણ ચાલે છે. બિલ્ડરો જે NOC બતાવી રહ્યાં છે, તે NOC સાચી છે કે, ખોટીએ જાણવાની કોઈ પદ્ધતિ સામાન્ય નાગરિક પાસે હાલ ઉપલબ્ધ નથી.
સુરતમાં 41 જેટલા બિલ્ડિંગ પ્રોજેકટ્સ નડતરરૂપ NOC આપનાર ઓફિસને પૂછીને ખરાઈ કરવા સિવાય કોઈ રસ્તો પણ નથી. સુરતના વેસુ સ્થિત એક બહુંમાળી ઈમારત અંગે એન.ઓ.સી અને કોઈ વાંધાજનક ઉચાઇ છે કે, નહીએ જાણવા એરપોર્ટ ઓથોરિટીના સુરત, મુંબઈ તથા દિલ્હી કાર્યાલયને ઇ-મેલ દ્વારા સંપર્ક કરીને જાણવાનો પ્રયાસ શહેરના જાણીતા સામાજીક કાર્યકતા સંજય ઇઝાવાએ કર્યો હતો. વારંવાર યાદગીરી ઈ-મેલ કર્યા બાદ તારીખ 19 ઓગસ્ટ 2020ના રોજ મદદનીશ જનરલ મેનેજર (એ.ટી.એમ), સુરત એરપોર્ટ દ્વારા ઈ-મેલનો જવાબ આપીને જણાવવામાં આવ્યું હતું કે, તમે જે માહિતી જાણવા ઈચ્છો છો તે જે તે બિલ્ડરના કાર્યાલયમાંથી મળી શકે છે. એટલે NOC અને ઉચાઇ અંગેની જે માહિતી જાણવા માગો છો તે બિલ્ડર દ્વારા આપવામાં આવશે.
નાગરિકો આ પ્રમાણેની માહિતીઓ સરકારી ઓફિસમાંથી મેળવી શકે છે. તેમ છતાં સુરત એરપોર્ટ દ્વારા માહિતી નકારીને નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલા સમયથી સરકારના તમામ ખાતાઓમાં પારદર્શિતા લાવવા માટે ઘણા પ્રયત્નો ચાલી રહ્યાં છે. ત્યારે આ પ્રકારનો જવાબ આમ નાગરિકોને સરકારી ઓફિસમાંથી મળશે તો પછી બિલ્ડરો અને વચેટિયાઓનું રાજ જરૂર ચાલશે, એમાં કોઈ શંકા નથી.
સુરત એરપોર્ટ ઓથોરીટી દ્વારા આપવામાં આવેલા આ જવાબ સામે સંજય ઇઝાવા દ્વારા એરપોર્ટ અથોરીટી ઓફ ઇન્ડિયાના ચેરમનને ફરિયાદ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે માગણી કરવામાં આવી છે.