- રાજ્ય સરકારે નવરાત્રિમાં ગરબા પર પ્રતિબંધ મૂકતા માતાજીના ગરબા વેચાણમાં મંદી
- ગરબાના વેચાણમાં ઘરાકી ન થતાં ગરબા વિક્રેતાઓ પરેશાન
- ગરબા વિક્રેતાઓએ કોરોનાની સાથે મોંઘવારીને પણ આ માટે જવાબદાર ગણાવી
- આ વખતે માતાજીના ગરબામાં 40 થી 50 ટકાનો ઘટાડો નોંધાયો
સુરત: બારડોલી સહિત સુરત જિલ્લામાં કોરોના મહામારીને કારણે નવરાત્રિ દરમિયાન શેરી ગરબા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેની અસર હવે માતાજીના ગરબા વેચાણ પર જોવા મળી રહી છે. વિક્રેતાઓના જણાવ્યા અનુસાર તેમણે ગરબાનું વેચાણ નહીં થતાં ભાવો ઘટાડવા પડ્યા છે. આ વખતે વેચાણમાં 40થી 50 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
માટીના ગરબા નહીં વેચાયા તો વિક્રેતાઓએ ભાવ ઘટાડવા પડ્યા મા જગદંબાની આરાધના અને ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ. શનિવારથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. પરંતુ કોરોનાના કારણે સરકાર દ્વારા લગાવવામાં આવેલી પાબંધીને કારણે નવરાત્રિને લઈ ખેલૈયાઓ અને માતાના ભક્તોનો ઉત્સાહ ઓછો થયેલો જોવા મળી રહ્યો છે. મોટા આયોજનો તો ઠીક શેરી ગરબા પર પણ સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. જેની સીધી અસર ઘટસ્થાપન માટે જેનું વિશેષ મહત્વ છે એવા માટીના ગરબા વેચાણ પર પણ જોવા મળી રહી છે.
બારડોલીમાં દર વર્ષે 500 જેટલા માટીના રંગબેરંગી ગરબાનું વેચાણ કરતાં રાજ પ્રજાપતિ હાલની પરિસ્થિતિ અંગે જણાવે છે કે, આ તેમનો પરંપરાગત ધંધો છે. તેમણે ગરબા વેચાણમાં ક્યારેય આવી મંદી જોઈ નથી. તેઓ વધુમાં જણાવે છે કે, કોરોનાને કારણે માટીના ગરબા બનાવવા માટેના કાચામાલની કિમતમાં પણ વધારો થયો હતો. જેને કારણે આ તેમણે દર વર્ષ કરતાં રૂપિયા 50નો વધારો કર્યો હતો. પરંતુ કોઈ ઘરાકી નહીં મળતા છેવટે રૂપિયા 50 ઓછા કરી ગત વર્ષ જેટલી જ કિમત રાખવી પડી છે. કોરોનાને કારણે આ વખતે તેમણે માત્ર 300 ગરબા જ બનાવ્યા છે. જે પૈકી ઘણા ગરબાનું વેચાણ નવરાત્રી પ્રારંભની પૂર્વ સંધ્યાએ થઈ શક્યું ન હતું. તેમણે કોરોનાની સાથે સાથે મોંઘવારીને પણ આ માટે જવાબદાર ગણાવી હતી. તેમજ અન્ય એક વિક્રેતાએ આ વખતે ગરબામાં 40 થી 50 ટકાનો ઘટાડો થયો હોવાનું જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે, કોરોના મહામારી માતાજીને પણ નડી રહી છે.