મોંઘવારી અને મંદીના માર વચ્ચે આ વખતની ઉતરાયણને લઈ લોકોનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. સુરતના સૌથી જૂના અને જાણીતા ગણાતા ડબગરવાડ પતંગ બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. સુરતના ભાગલ વિસ્તારમાં આવેલા ડબગરવાડ વિસ્તાર જે પતંગ અને માંજાની ખરીદી માટે જાણીતું છે. ઉતરાયણના એક અઠવાડિયા અગાઉ ડબગરવાડના આ પતંગ બજારમાં માંજા અને પતંગની ધૂમ ખરીદી જોવા મળતી હોય છે. પરંતુ બદલાતા સમયની સાથે હાલ અહીં ખરીદીનો માહોલ મંદ જોવા મળી રહ્યો છે.
દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પતંગ અને બોબીનના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે. જ્યારે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ગ્રાહકના માહોલમાં પણ 40 ટકા જેટલો ઘટાડો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. પતંગ અને બોબીનના દોરામાં થયેલા ભાવ વધારાના કારણે ગ્રાહકો ખરીદી પર મહદંશે કાપ મૂકી રહ્યા છે.અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ અને માંજાની ખરીદી કરવા લોકો સુરત સહિત બીલીમોરા જેવા શહેરોમાંથી આવી રહ્યા છે.પરંતુ ભાવમાં વધારાના પગલે ખરીદીમાં મોટો કાપ મૂકી રહ્યા છે.
સુરતમાં પતંગ માંજાની ખરીદીમાં ગ્રાહકીમાં 40 ટકાનો ઘટાડો પતંગ બજારમાં આ વખતે અવનવી વેરાયટીઝ ના પતંગો આકર્ષણ જમાવી રહી છે.દર વર્ષે ઉત્તરાયણ ના એક અઠવાડિયા અગાઉ જ અહીં ખરીદી નીકળે છે,જેને લઇ આગામી ઉત્તરાયણ પર્વને લઈ ખરીદી માટે ગ્રાહકોની હાલ ચહલ - પહલ પણ શરૂ થઈ ચુકી છે. ડબગરવાડ ના આ પતંગ બજારમાં ખંભાતી, રામપુરી, જયપુરી, બરેલી, અમદાવાદી ,જંબુસર જેવી વેરાયટીના પતંગની વધુ ડિમાન્ડ છે.કાગળમાંથી બનાવવામાં આવેલ પતંગ રૂપિયા દસ થી પાંચસો રૂપિયા સુધીના ભાવ છે.જ્યારે પ્લાસ્ટિક ના દસ થી માંડી ત્રીસ રૂપિયા સુધીના ભાવે વેચાણ થઈ રહ્યા છે.આ સાથે નાના બાળકો માટેના પતંગ પણ આકર્ષણ જમાવી રહી છે.જેમાં ડોરેમોન,મોટું - પટલું, સુપરમેન,ટોમ એન્ડ જેરી સહિત વિવિધ કાર્ટૂનિસ્ટ થીમ બેઝ ઉપરાંત નાની ફીરકી અને પતંગની કીટ સાથેના પતંગો બજારમાં જોવા મળી રહ્યા છે.
ઉત્તરાયણ પર્વ દરમ્યાન ચાઈનીઝ ટુકક્લ અને દોરી પર સરકાર દ્વારા બેન્ડ લગાવી દેવામાં આવ્યો છે. ચાઈનીઝ ટુકકલ સામે બજારમાં હવે નાના ઇલેક્ટ્રિક ફાનસ આવ્યા છે. જે વજનમાં બિલકુલ હલકા હોવાના કારણે સહેલાઈથી દોરી અને પતંગ સાથે ઉપર સુધી જઈ શકે છે. જે ફાનસનો નાના બાળકો પણ ઉપયોગ કરી શકે છે. જો કે, ભાવમાં પણ તે પરવડતું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.પરંતુ સમયની સાથે લોકોમાં ઉત્તરાયણ પ્રત્યે રુચિ ક્યાંક ઓછી હોવાથી બજારમાં ખરીદી મંદ હોવાનો મત વેપારીઓ આપી રહ્યા છે.
બીજી તરફ નવા વર્ષની સાથે પતંગરસિયાઓ માટે સૌથી ખાસ અને મહાકાય પતંગ પણ બજારોમાં જોવા મળી રહ્યા છે. જેમાં સાડા છ ફૂટથી માંડી દસ ફૂટ સુધીના પતંગ બજારમાં આવ્યા છે. વર્ષ 2020ની થીમ બેઝ પર રૂપિયા 600 થી1500 સુધીની કિંમતના આ પતંગો લોકોમાં આકર્ષણ જમાવી રહી છે. જે પતંગો આગામી ઉત્તરાયણ પર્વ દરમ્યાન આકાશમાં 20-20 ના ભાગરૂપે જોવા મળશે.