સુરતઃ ડૉક્ટરની બેદરકારીને લીધે 4 વર્ષના નિર્દોષ બાળકે હાથ ગુમાવો પડ્યો હોવાનો આરોપ તેના પિતા કરી રહ્યા છે. સમગ્ર ઘટના સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ઘટી હોવાનું સામે આવ્યું છે. આ બાળકને વારંવાર ઈન્જેક્શન આપવાથી તેને ઈન્ફેક્શન લાગ્યું અને તેનો હાથ કાપવો પડ્યો હતો. આટલું જ નહિ પિતાએ ફરજ પર હાજર ડૉક્ટર્સે નાણાંની માંગણીનો પણ આરોપ લગાવ્યો છે. પિતાના આરોપ બાદ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ છુટ્યા છે.
સમગ્ર ઘટનાક્રમઃ સુરતના પાંડેસરામાં શાસ્ત્રીનગર ખાતે ઉપેન્દ્ર રાજવંશી પોતાની પત્ની, બે પુત્રો વિષ્ણુ અને 4 વર્ષીય પુત્ર ગણેશ સાથે રહે છે. ઉપેન્દ્ર ટેક્સટાઈલ માર્કેટમાં મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવે છે. ઉપેન્દ્રની પત્ની બિમાર પડતા તેણીને ન્યૂ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપેન્દ્ર પોતાની પત્નીને જોવા માટે હોસ્પિટલ ગયો ત્યારે 4 વર્ષીય ગણેશને ભાઈ અને તેના મિત્રો સાથે મુકીને ગયો હતો. જો કે રમત દરમિયાન ગણેશ છઠ્ઠા માળેથી પાંચમા માળે પટકાયો હતો. ગણેશના માથાને ભાગે ઈજા થતા તેને પણ ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરી દેવાયો. ફરજ પરના હાજર ડૉક્ટર્સે ગણેશને જૂની બિલ્ડિંગના વોર્ડ નંબર G-2માં દાખલ કર્યો. તેઓ ગણેશની સારવાર દરમિયાન તેને ઈન્જેક્શન્સ આપતા રહ્યા. આ ઈન્જેક્શન્સને પરિણામે ગણેશને ઈન્ફેક્શન થયું અને તેની સર્જરી કરી અડધો હાથ કાપી નાંખવામાં આવ્યો.