સુરત : જિલ્લાના માંગરોળના મોટા બોરસરા ગામે ગેસ ગળતરની ઘટના સામે આવી છે. નીલમ ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ વાળા ડ્રમ ખોલતા ગેસનું ગળતર થયું હતું. જેમાં ચાર કામદારોના શ્વાસ રૂંધાઇ ગયા હતા અને ચારેય કામદારોના મોત નિપજ્યા છે. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ સહિતનું તંત્ર ઘટના સ્થળે પહોચ્યું છે.
4 કામદારોના થયા મોત : કામદારોના મૃતદેહને કીમની સાધના હોસ્પિટલમાં લઈ જવાયા હોવાની હાલ માહિતી સામે આવી રહી છે. માંગરોળના મોટા બોરસરા ગામે નીલમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીનું મટીરીયલ સ્ટોર કરવામાં આવ્યું હતું. જે કેમિકલ પાસે પાંચેક જણાએ ડ્રમનું ઢાંકણું ખોલતા ગેસનું ગળતરની ઘટના બની હતી. જેમાં 5 લોકો બેભાન થઇ ગયા હતા. તે તમામને નજીકની સાધના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 5 કામદારો માંથી 4 લોકોના મોત થયા છે. આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી છે.