- બારડોલીમાં 2 જગ્યાએ યોજાયો રેપીડ ટેસ્ટ કાર્યક્રમ
- માત્ર 4 કેસ પોઝિટિવ આવતા તંત્રે રાહત અનુભવી
- કોરોના સંક્રમણ રોકવા માટે મોટાપાયે રેપીડ ટેસ્ટ શરૂ કરાયું
બારડોલી: બારડોલી શહેર વિસ્તારમાં વધી રહેલા કોરોના કેસોને લઈને પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. મંગળવારના રોજ લીમડા ચોક વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટના દુકાનદારો અને કામદારોના રેપીડ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકા શાસકો અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા શાકભાજી વિક્રેતા અને દુકાનદારો મળીને 235 લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી, માત્ર 4 જ વ્યક્તિ પોઝિટિવ નીકળતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો:બારડોલીના 2 ભાઈઓએ કોરોના દર્દીઓની સેવા માટે પોતાની ઇનોવા કારને બનાવી એમ્બ્યુલન્સ
વધી રહેલા સંક્રમણને કારણે શરૂ કરાયું રેપીડ ટેસ્ટ
છેલ્લા દોઢ મહિનાથી બારડોલી સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામાં સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકાર દ્વારા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જે મુજબ, વધુને વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવે તો કોરોના ઝડપથી મળી થઈ શકે અને તેની સમયસર સારવાર થવાની સાથે સંક્રમણ પણ રોકી શકાય. બારડોલીમાં વધી રહેલા કેસોને લઈને નગરપાલીકા દ્વારા મંગળવારના રોજ લીમડા ચોક ખાતે આવેલી શહેરની સૌથી મોટી શાકભાજી માર્કેટમાં 2 અલગ અલગ જગ્યાએ રેપીડ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લીમડા ચોક પર CHCની સામે અને ગોપાલ રેસ્ટરન્ટની બાજુમાં આમ 2 જગ્યાએ સવારથી રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રેપીડ ટેસ્ટ કરાવવા માટે શાકભાજી વિક્રેતાઓ અને દુકાનદારોમાં જાગૃકતા જોવા મળી હતી. આથી, લોકો સ્વયંભૂ ટેસ્ટ માટે આવ્યા હતા.